જામનગર: મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર મોનિકા વ્યાસના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં શહેરના વિકાસ અને વહીવટી કામગીરીને લગતા અનેક મહત્વપૂર્ણ ઠરાવો સર્વાનુમતે કે બહુમતીથી મંજૂર કરવામાં આવ્યાં હતા. જો કે, શહેરમાં પે એન્ડ પાર્કિંગની નીતિ લાગુ કરવાના મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી જતા સભામાં ભારે હોબાળો અને ગરમાગરમી જોવા મળી હતી.
ખાનગી બસો માટે પે એન્ડ પાર્કિંગ અને વિપક્ષનો વિરોધ
શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે મનપા દ્વારા ખાનગી ટ્રાવેલ્સ અને વિવિધ કંપનીઓની બસો માટે 'પે એન્ડ પાર્કિંગ'નો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, શહેરના મેલડી માતા મંદિર, સાંઢિયા પુલ અને સમર્પણ સર્કલ પાસે ખાનગી બસોના પાર્કિંગ માટે માસિક રૂ. 3,000 પ્લસ GST ચાર્જ વસૂલવાનું નક્કી કરાયું છે.
આ ઠરાવ સામે વિપક્ષના સભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે રજૂઆત કરતા જણાવ્યું કે, આ નીતિની આડમાં ભવિષ્યમાં સામાન્ય નાગરિકો પર પાર્કિંગ ચાર્જનો બોજ ન નખાવો જોઈએ. વિપક્ષે સ્પષ્ટ માંગ કરી હતી કે સામાન્ય જનતા માટે શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવે.

















