USA Aviation Crisis: અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમમાં સર્જાયેલી ગંભીર ટેક્નિકલ ખામીને કારણે શુક્રવારે દેશભરમાં હવાઈ વ્યવહાર ખોરવાયો હતો. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ દેશવ્યાપી 'ગ્રાઉન્ડ સ્ટોપ' લાગુ કર્યો હતો. તેના કારણે હજારો ફ્લાઇટ્સની અવરજવર અટકી ગઈ અને 11 હજારથી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. જો કે, લગભગ ચાર કલાક બાદ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો અને હવાઈ સેવાઓ શરુ થઇ હતી.   

22 એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરમાં સંચાર વ્યવસ્થા ખોરવાઈ

મળતી માહિતી મુજબ, અમેરિકાના 22 એર રૂટ ટ્રાફિક કંટ્રોલ સેન્ટરમાં સંચાર વ્યવસ્થાને લગતી ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી.આ ખામીને કારણે એર ટ્રાફિકનું સુરક્ષિત સંચાલન મુશ્કેલ બનતાં FAAએ સાવચેતીના ભાગરૂપે ગ્રાઉન્ડ સ્ટોપનો નિર્ણય લીધો હતો.

અમેરિકાના પરિવહન સચિવ સીન ડફીએ જણાવ્યું કે, ગ્રાઉન્ડ સ્ટોપ દરમિયાન જમીન પર રહેલા વિમાનોને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જો કે, જે વિમાનો પહેલેથી જ હવામાં હતાં તેમને સુરક્ષિત રીતે લેન્ડ થવાની છૂટ આપવામાં આવી હતી.