નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ મોટો ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે. નવી વ્યવસ્થા અમલી બનશે તો 112 પ્રકારની બીમારીઓની સારવાર અને ઓપરેશન માટે દર્દીઓએ સરકારી હોસ્પિટલનો જ વિકલ્પ પસંદ કરવો પડી શકે છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટી (NHA)દ્વારા આ અંગે તમામ રાજ્યોની સ્વાસ્થ્ય એજન્સીઓને દિશાનિર્દેશ મોકલવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

આ નવી વ્યવસ્થા હેઠળ ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કેટલાક સારવાર પેકેજને સરકારી હોસ્પિટલો માટે આરક્ષિત કરવાની યોજના છે. આ ફેરફાર 1 ડિસેમ્બરથી લાગુ કરવાની તૈયારી છે. જો કે, કયા પેકેજ ખાનગી હોસ્પિટલોમાંથી દૂર કરવા તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારો કરી શકે છે. 

1 ડિસેમ્બરથી નવી વ્યવસ્થા લાગુ કરવાની તૈયારીઓ

અત્યાર સુધી આયુષ્માન ભારત યોજના હેઠળ 23 સારવાર પેકેજ સરકારી હોસ્પિટલો માટે આરક્ષિત કરવામાં આવ્યાં હતા. હવે તેમાં વધુ 89 પેકેજ ઉમેરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ રીતે કુલ 112 સારવાર પેકેજ સરકારી હોસ્પિટલો માટે આરક્ષિત થઈ શકે છે.