India-Pakistan Espionage Case: ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પર પાકિસ્તાની ગુપ્તચર એજન્ટને દેશની સંવેદનશીલ સૈન્ય માહિતી પૂરી પાડવાનો ગંભીર આરોપ લાગ્યો છે. દિલ્હી પોલીસની ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસના દાવા અનુસાર, અધિકારીએ પાકિસ્તાની એજન્ટ સાથે 3,008 ચેટ્સ અને 42 વૉઇસ કૉલ કર્યા હતા. યુદ્ધની વ્યૂહરચના સાથે જોડાયેલા દસ્તાવેજો, લેહમાં ફાઇટર જેટની તૈનાતી, સૈન્ય અભ્યાસ અને એક ગુપ્ત ડ્રોન યુનિટની ક્ષમતા સહિતની સંવેદનશીલ માહિતી શેર કરવામાં આવી હોવાનો આરોપ છે. અધિકારી પર પોતાના જ યુનિટના પાંચ કર્મચારીઓનાં ડિવાઇસમાં માલવેર ઇન્સ્ટોલ કરાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.
કેવી રીતે પાકિસ્તાની એજન્ટના જાળમાં ફસાયા વિંગ કમાન્ડર ?
દિલ્હી પોલીસની ચાર્જશીટ મુજબ, ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન પાકિસ્તાની મહિલા ગુપ્તચર એજન્ટના સંપર્કમાં હતા.બંને વચ્ચે WhatsApp મારફતે સતત વાતચીત થતી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર, આ સમયગાળા દરમિયાન કુલ 3,008 ચેટ્સ, 42 વૉઇસ કૉલ અને 65 તસવીરોની આપ-લે થઈ હતી.
સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે અધિકારીને અશ્લીલ તસવીલોના બદલામાં સૈન્યની ગુપ્ત માહિતી મોકલવા માટે લલચાવવામાં આવ્યાં હતા.પોલીસની ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે ન્યૂડ તસવીર મળ્યાં બાદ અધિકારીએ ગુપ્ત યુદ્ધ યોજનાની એક પાનાની તસવીર મોકલી હતી. એટલું જ નહીં, દરેક ન્યૂડ તસવીરના બદલામાં યુદ્ધ યોજનાનું એક નવું પેજ મોકલવાની વાત પણ કરી હોવાનો આરોપ છે.














