અમદાવાદ: શહેરના પોશ ગણાતા સાયન્સ સિટી રોડ પર ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથો સામસામે આવી જતાં ભારે ધીંગાણું સર્જાયું હતું. ફટાકડા લોકો તરફ આવતાં સોસાયટીના રહીશોએ ના પાડતાં ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ 20થી 25 લોકોના ટોળાને બોલાવી લાકડી-ધોકા વડે રહીશો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 જેટલા રહીશો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે સ્વબચાવમાં એક સભ્યએ હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરતાં હુમલાખોરોમાં નાસભાગ મચી ગઈ હતી.

બોડકદેવ પોલીસ મથકે સોસાયટીના રહીશ જીગર પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, 6 નવેમ્બરની રાત્રે પ્રાંશુ કોટાવાડ, અર્જુન દેસાઈ અને વિશ્વાસ કાલી નામના ત્રણ યુવકો સોસાયટીના ગેટ બહાર ફટાકડા ફોડી રહ્યા હતા. ફટાકડા ઊડીને સોસાયટીના સભ્યો તરફ આવતાં તેમને ત્યાં ફટાકડા ન ફોડવા સમજાવવામાં આવ્યા હતા. જોકે, 8 નવેમ્બરની રાત્રે આ ત્રણેય યુવકો ફરીથી ત્યાં આવ્યા હતા અને ફટાકડા ફોડવાનું શરૂ કર્યું હતું. એક રોકેટ સીધું રહીશો તરફ પડતાં સોસાયટીના સભ્યોએ ફરી વિરોધ કર્યો હતો.

રહીશોના વિરોધથી ઉશ્કેરાયેલા ત્રણેય યુવકોએ ગાળાગાળી કરી હથિયારો સાથે 20થી 25 માણસોનું ટોળું બોલાવી લીધું હતું. આ ટોળાએ સોસાયટીમાં ઘૂસી લાકડી અને ધોકા વડે રહીશો પર હુમલો કરી દીધો હતો, જેમાં પાંચ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મામલો વધુ બિચકતાં સોસાયટીના રહીશ રાકેશ પટેલે જીવના જોખમે સ્વબચાવમાં પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના પગલે ટોળું તાત્કાલિક સ્થળ પરથી ભાગી ગયું હતું.

બનાવમાં ઘવાયેલા ઈજાગ્રસ્ત રહીશોને તાકીદે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ બોડકદેવ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી હુમલાખોર ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.