જૂનાગઢ: અમરેલી જિલ્લામાં બનેલી દર્દનાક ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જૂનાગઢ પંથકમાં દીપડાએ ફરી એક માસૂમનો જીવ લીધો છે. મેંદરડા તાલુકાના દાત્રાણા ગામની સીમમાં દિવાળીની રાત્રે બનેલી આ કાળજું કંપાવી દે તેવી ઘટનામાં 8 વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રકાશના પર્વ પર જ માસૂમ પુત્રનું મોત થતાં શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી વિગતો અનુસાર, દાત્રાણા ગામની સીમ વિસ્તારમાં આવેલી વાડી પાસે એક શ્રમિક પરિવાર રહે છે. દિવાળીની રાત્રે તેમનો 8 વર્ષનો દીકરો ઘર આંગણે રમી રહ્યો હતો. તે જ સમયે અંધારામાંથી અચાનક ધસી આવેલા દીપડાએ બાળક પર હુમલો કરી તેને જડબામાં દબોચી લીધો હતો અને ખેંચીને ભાગવા લાગ્યો હતો.

પુત્રની ચીસ સાંભળીને પિતાએ જીવના જોખમે લાકડી લઈને દીપડા પાછળ દોટ મૂકી હતી. પિતાનો પીછો જોઈ દીપડો બાળકને આશરે 100 ફૂટ દૂર આવેલા એક ખાડામાં ફેંકીને બેસી ગયો હતો. જોકે, ગળાના ભાગે ઊંડા ઘા વાગવાથી અને વધુ પડતું લોહી વહી જવાને કારણે બાળકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. દિવાળીના તહેવાર ટાણે જ વ્હાલસોયા પુત્રના મોતના સમાચાર મળતાં સમગ્ર પરિવારમાં આક્રંદ છવાઈ ગયું હતું.

બાળકનો શિકાર કર્યા બાદ નાસી રહેલો માનવભક્ષી દીપડો રસ્તા પરથી પસાર થઈ રહેલી એક મોટરસાઇકલ સાથે જોરદાર રીતે અથડાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર પતિ-પત્ની રસ્તા પર પટકાયા હતા. આ દુર્ઘટનામાં પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.