નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વખતની જેમ આ વખતે પણ વીર જવાનો સાથે દિવાળી ઉજવવાની જાહેરાત કરી છે. દિવાળીની સવારે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપી કે, હું આપણા બહાદુર સુરક્ષા દળો સાથે દિવાળી ઉજવવા માટે બસ્તર જઈ રહ્યો છું. આ એવો વિસ્તાર છે જ્યાં ક્યારેક નક્સલવાદનો પ્રભાવ હતો, પરંતુ હવે અહીં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. હું આપણા બહાદુર સુરક્ષાકર્મીઓને તેમના બલિદાન, નિઃસ્વાર્થ સેવા અને રાષ્ટ્ર પ્રત્યેના અતૂટ સમર્પણ માટે નમન કરવા જઈ રહ્યો છું.

પીએમ મોદીએ  X પોસ્ટમાં લખ્યું, "દીપાવલીના પાવન અવસર પર બસ્તર જઈ રહ્યો છું. ગઈકાલ સુધી જ્યાં નક્સલીઓનો ત્રાસ હતો, ત્યાં આજે વિકાસની લહેર છે. વીર જવાનો, તેમના બલિદાન, ત્યાગ અને તપસ્યાને નમન કરવા જઈ રહ્યો છું. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી દર વર્ષે દિવાળી જવાનો સાથે મનાવે છે.

આ અગાઉ પીએમ મોદીએ દિવાળીના પાવન અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સૌના જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા લોકોને દિવાળીની શુભેચ્છા આપી હતી. વડાપ્રધાને  પોસ્ટ કરતાં લખ્યું હતું, સૌને દિવાળીની શુભેચ્છાઓ! દેશભરમાં વસતા મારા તમામ પરિવારજનોને દિવાળીની શુભકામનાઓ.