અમદાવાદ: ગુજરાતમાં હજુ શિયાળાની ઠંડીની શરૂઆત પણ થઈ નથી, ત્યાં જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 નવેમ્બરથી 27 નવેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 16 નવેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આ ઉપરાંત, બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે 16 નવેમ્બરની આસપાસ લો-પ્રેશરમાં અને 20 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જો વાતાવરણ સાનુકૂળ રહેશે તો આ સિસ્ટમ વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. જોકે, આ સિસ્ટમની મુખ્ય અસર આંધ્ર પ્રદેશ અને ઓડિશા તરફ રહેશે, પરંતુ તેના કારણે ગુજરાતના હવામાનમાં પણ મોટો પલટો આવશે.
20 થી 27 નવેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. કમોસમી વરસાદ પડશે તો ખેતીના પાક પર તેની વિપરીત અસર થવાની ભીતિ છે.














