અમદાવાદ: શહેરમાં પારિવારિક કંકાસમાં હત્યાનો વધુ એક હચમચાવી નાખે તેવો બનાવ સામે આવ્યો હતો. નરોડા વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત આર્મીમેનની તેમની જ પત્નીએ છાતીમાં ચપ્પુના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી હતી. નજીવી બાબતોમાં શરૂ થયેલી તકરાર લોહિયાળ અંજામ સુધી પહોંચી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પત્નીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર, અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મીમેન અને તેમની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર નાની-નાની બાબતોમાં વિવાદ ચાલી રહ્યો હતો. બે દિવસ પહેલાં બંને વચ્ચે જમવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પતિએ રસોઈમાં "આવું કેમ બનાવ્યું" અને "આ કેમ બનાવ્યું" જેવી નજીવી બાબતો કાઢી માથાકૂટ શરૂ કરી હતી. વાત એટલી હદે વણસી ગઈ કે આવેશમાં આવી ગયેલી પત્ની રસોડામાંથી તીક્ષ્ણ ચપ્પુ લઈ આવી હતી અને પતિ પર તૂટી પડી હતી. તેણે પતિની છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતાં તેઓ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

પતિની હત્યા કર્યા બાદ ગભરાયેલી પત્ની સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી. બનાવની જાણ પોલીસને થતાં કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પત્નીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પત્નીને દબોચી લીધી હતી. 

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પત્નીએ હત્યાની કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, ઘરમાં રૂપિયાની લેવડદેવડ અને આર્થિક ખેંચતાણને લઈને અવારનવાર કંકાસ થતો હતો. આ ઉપરાંત પતિ રોજિંદા ભોજન અને અન્ય બાબતોમાં સતત ત્રાસ આપી ઝઘડો કરતો હતો. બે દિવસ પહેલાં પણ આ જ રીતે ક્ષુલ્લક વાતમાં પતિએ માથાકૂટ વકરી દેતાં તેણે ગુસ્સા પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને ચપ્પુના ઘા મારી પતિનું ઢીમ ઢાળી દીધું હતું. હાલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.