જો કોઈ વિદ્યાર્થીને ચાર વર્ષથી વધુ સમય અમેરિકામાં રહેવું હોય તો તેણે ફેડરલ સરકારની અલગ મંજૂરી મેળવવી જરૂરી છે. આ નિયમ અમલી બન્યો હોત તો લાંબા ગાળાના અભ્યાસક્રમો, રિસર્ચ અને અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડાયેલા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકતી હતી.
પરંતુ બોસ્ટનની ફેડરલ કોર્ટના ન્યાયાધીશ એફ. ડેનિસ સેલરે સોમવારે આ પ્રસ્તાવને રદ કરી દીધો હતો. ન્યાયાધીશે DHSના આ પગલાને મનસ્વી અને ગેરવાજબી ગણાવ્યું હતું.
કોર્ટે શા માટે ફગાવ્યો ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ ?
કોર્ટના મતે, અમેરિકન કોંગ્રેસે વિદેશી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની જે કાયદાકીય તક આપી છે, તેને DHS પોતાની સત્તાનો ઉપયોગ કરીને મનસ્વી રીતે મર્યાદિત કરી શકે નહીં.
ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું હતું કે સરકાર પાસે F-1 વિઝા કાર્યક્રમને નબળો પાડે તેવી વ્યાપક અને મનસ્વી સત્તા નથી. આથી વિદ્યાર્થીઓના રોકાણના સમયગાળાને ચાર વર્ષ સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ કાયદાકીય આધાર વિનાનો હોવાનું કોર્ટે માન્યું હતું.
વિદેશી પત્રકારો માટે પણ હતા કડક નિયમો
DHSના પ્રસ્તાવમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ વિદેશી પત્રકારોના અમેરિકામાં રોકાણના સમયગાળાને પણ મર્યાદિત કરવાની જોગવાઈ હતી. પ્રસ્તાવ મુજબ, વિદેશી પત્રકારો માટે રોકાણની મુદત ઘટાડીને 240 દિવસ કરવાની યોજના હતી, જ્યારે ચીનના પત્રકારો માટે આ મર્યાદા 90 દિવસ રાખવાનો પ્રસ્તાવ હતો.
ભારતીય સંગઠને કોર્ટના નિર્ણયનું કર્યું સ્વાગત
ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (FIIDS) દ્વારા કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. FIIDSના પ્રમુખ અને નીતિ તથા વ્યૂહરચના વિભાગના વડા ખંડેરાવ કાંડે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રાહત મળી છે. સાથે જ અમેરિકાના વિજ્ઞાન, ટેક્નોલોજી, સંશોધન અને નવીનતાના ક્ષેત્રના ભવિષ્યને પણ સુરક્ષા મળશે.
પ્રેસિડેન્ટ્સ એલાયન્સ ઓન હાયર એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશનના પ્રમુખ અને CEO મિરિયમ ફેલ્ડબ્લુમે પણ આ ચુકાદાને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, વિદ્વાનો અને તેમને પ્રવેશ આપતી યુનિવર્સિટીઓ માટે મોટી જીત ગણાવી હતી.
ભારતીય વિદ્યાર્થીઓ માટે આ નિર્ણયનો શું અર્થ ?
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ ચુકાદો મહત્વપૂર્ણ છે. ખાસ કરીને લાંબા સમયના અભ્યાસક્રમો, સંશોધન અને શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડાયેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષની નિશ્ચિત સમય મર્યાદાના કારણે ઊભી થનારી સંભવિત મુશ્કેલીઓથી રાહત મળી શકે છે.
જો કે,આ નિર્ણયનો અર્થ એ નથી કે તમામ ભારતીય વિદ્યાર્થીઓને આપમેળે ચાર વર્ષ કે તેથી વધુ સમયનો વિઝા મળી ગયો છે. F-1 વિઝા હેઠળ લાગુ પડતી અન્ય શરતો, અભ્યાસની સ્થિતિ અને ઇમિગ્રેશનના નિયમોનું પાલન કરવું હજુ પણ જરૂરી છે.
જૂની 'ડ્યુરેશન ઓફ સ્ટેટસ' નીતિ યથાવત
અમેરિકામાં F-1 વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ માટે અગાઉથી અમલમાં રહેલી 'ડ્યુરેશન ઓફ સ્ટેટસ'(Duration of Status) નીતિ હેઠળ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમની અવધિ દરમિયાન નિર્ધારિત શરતોને આધીન રહીને દેશમાં રોકાવાની મંજૂરી મળે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આ નીતિમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવા માગતું હતું. જોકે, ફેડરલ કોર્ટના ચુકાદા બાદ આ પ્રસ્તાવને મોટો ફટકો પડ્યો છે.