TAT Higher Secondary Result Controversy: ગુજરાતમાં TAT હાયર સેકન્ડરી પરીક્ષાના પરિણામને લઈને વિવાદ વકર્યો છે. અંદાજે 47 હજાર ઉમેદવારોમાંથી 30 હજાર જેટલા ઉમેદવારો નાપાસ થતાં પરીક્ષાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પરિણામમાં પારદર્શિતાના અભાવનો આક્ષેપ કરીને રાજ્યભરના ઉમેદવારો ગાંધીનગરમાં ભેગા થયા હતા. પરીક્ષા બોર્ડની કચેરીએ પહોંચેલા ઉમેદવારોએ બંને પેપરના અલગ-અલગ માર્ક જાહેર કરવા અને સમગ્ર પરિણામની નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે.
ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે TAT હાયર સેકન્ડરી પરીક્ષાનું પરિણામ નિરાશાજનક સાબિત થયું છે. પરિણામ જાહેર થયા બાદ મોટી સંખ્યામાં ઉમેદવારો નાપાસ થતાં મૂલ્યાંકન પ્રક્રિયા અને પરિણામની પારદર્શિતા સામે સવાલો ઊઠ્યા છે. આ મુદ્દે હવે ઉમેદવારોનો રોષ રસ્તા પર જોવા મળી રહ્યો છે.
TAT હાયર સેકન્ડરીની પરીક્ષામાં અંદાજે 47 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 30 હજાર ઉમેદવારો નાપાસ થયા છે.

















