•જો તમારામાં હિંમત હોય તો કોઈ પણ રાજકીય પાર્ટીના સમર્થન વિના ચૂંટણી લડી બતાવોઃ વરુણ પટેલ
•આ મામલે હવે આગામી સમયમાં રાજનીતિ તેજ બનવાના એંધાણ દેખાઇ રહ્યાં છે.
માત્ર એક જ પાટીદાર નેતા વરુણ પટેલે જડબાતોડ જવાબ આપ્યોઃ પબુભાએ કહ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી કોળી સમાજમાંથી હોવા જોઈએતસવીર: ગુજરાત પોસ્ટ
શેર કરો:
દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મુખ્યમંત્રી પદને લઈને જ્ઞાતિ આધારિત ચર્ચાએ જોર પકડ્યું છે. દેવભૂમિ દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી હોવા જોઈએ તેવું નિવેદન આપતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઇ છે. પાટીદાર સમાજના રાજકીય વર્ચસ્વ વચ્ચે આવેલા આ નિવેદનથી આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં નવા રાજકીય સમીકરણોની ચર્ચા તેજ બની છે.
ગુજરાતના રાજકારણમાં મુખ્યમંત્રી પદ માત્ર સત્તાનું સર્વોચ્ચ સ્થાન નથી, પરંતુ સામાજિક અને રાજકીય પ્રતિનિધિત્વનું પ્રતિક પણ છે. રાજ્યમાં પાટીદાર સમાજનું લાંબા સમયથી રાજકીય પ્રભુત્વ રહ્યું છે. જો કે,અન્ય સમાજો પણ સત્તાના સર્વોચ્ચ પદ પર પોતાના સમાજના નેતાને જોવા ઇચ્છે છે. હવે આ જ મુદ્દે કોળી સમાજની દાવેદારી સામે આવતાં રાજકીય ચર્ચાઓ શરૂ થઇ છે.
ધારાસભ્ય પબુભા માણેકનું નિવેદન શું છે ?
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હજુ સમય છે, પરંતુ રાજકીય ગતિવિધિઓ અત્યારથી જ તેજ થવા લાગી છે. દેવભૂમિ દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવું નિવેદન આપ્યું છે.
12 નવેમ્બરના રોજ દ્વારકામાં કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા ધાર્મિક પ્રસંગમાં રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી નેતા હીરા સોલંકીની હાજરીમાં પબુભા માણેકે આ નિવેદન આપ્યું હતું.
તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી તમારા સમાજના હોવા જોઈએ.ગુજરાતમાં તમારો સમાજ બીજા નંબરનો મોટો સમાજ છે.આ સાથે તેમણે કોળી સમાજના યુવાનોને જાગૃત અને સંગઠિત રહેવાની સલાહ પણ આપી હતી.
માત્ર એક જ પાટીદાર નેતા વરુણ પટેલે જડબાતોડ જવાબ આપ્યોઃ પબુભાએ કહ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી કોળી સમાજમાંથી હોવા જોઈએ
પબુભાના આ નિવેદન બાદ સવાલ ઊભો થયો છે કે શું આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં મુખ્યમંત્રી પદને લઈને જ્ઞાતિ આધારિત રાજકીય દાવેદારી વધુ મજબૂત બનશે ?
ગુજરાતમાં જ્ઞાતિ આધારિત રાજકારણનાં સમીકરણો
ગુજરાતની ચૂંટણીમાં જ્ઞાતિ અને સામાજિક સમીકરણો હંમેશાં મહત્ત્વની ભૂમિકા ભજવતાં રહ્યાં છે. પાટીદાર, ઓબીસી, આદિવાસી, ક્ષત્રિય અને અન્ય સમાજોના મતદારો અનેક બેઠકો પર ચૂંટણીનાં પરિણામો નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થાય છે.
1. ઓબીસી સમાજ: સૌથી મોટો મતદાર વર્ગ
ગુજરાતમાં ઓબીસી સમાજ વિવિધ જ્ઞાતિઓનો સમાવેશ કરતો મોટો સામાજિક અને રાજકીય વર્ગ છે. તેમાં ઠાકોર, કોળી, રબારી, ભરવાડ અને આહીર સહિતના સમાજોનો સમાવેશ થાય છે.
ઠાકોર સમાજ: ઉત્તર ગુજરાતની અંદાજે 25 થી 30 બેઠકો પર પ્રભાવ ધરાવે છે.
કોળી સમાજ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદાજે 30 થી 35 બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
રબારી, ભરવાડ અને આહીર સમાજ: સૌરાષ્ટ્ર અને કચ્છની અંદાજે 15 થી 20 બેઠકો પર રાજકીય અસર ધરાવે છે.
કોળી અને ઠાકોર સમાજ બંને ઓબીસી વર્ગમાં આવે છે, પરંતુ તેમના પ્રભાવના વિસ્તારો અલગ છે. આથી રાજકીય પક્ષો ચૂંટણીમાં આ બંને સમાજોને મહત્ત્વ આપતા આવ્યા છે.
અગાઉ પણ કોળી સમાજના મુખ્યમંત્રીની માંગ રાજકીય મંચો પરથી ઉઠી ચૂકી છે. હવે પબુભા માણેકના નિવેદનથી આ મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
2. પાટીદાર સમાજ: ગુજરાતના રાજકારણમાં મજબૂત પક્કડ
ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનું સ્થાન અત્યંત મહત્ત્વનું રહ્યું છે. આર્થિક રીતે સક્ષમ અને રાજકીય રીતે સક્રિય ગણાતા પાટીદાર સમાજના અનેક નેતાઓ રાજ્યના મુખ્યમંત્રી સહિતનાં મહત્ત્વનાં હોદ્દાઓ પર રહી ચૂક્યા છે.
પાટીદાર સમાજમાં લેઉવા અને કડવા એમ બે મુખ્ય પેટા-સમાજ છે.
સૌરાષ્ટ્રની અંદાજે 25 થી 30 બેઠકો, ઉત્તર ગુજરાતની 10 થી 12 બેઠકો અને સુરતની 5 થી 6 બેઠકો પર પાટીદાર મતદારો ચૂંટણીનાં પરિણામોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.
રાજ્યના રાજકારણમાં પાટીદાર સમાજની મજબૂત હાજરીને જોતાં કોળી સમાજના મુખ્યમંત્રીની માંગને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
3. આદિવાસી સમાજ: 27 બેઠકો પર નિર્ણાયક ભૂમિકા
ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ (ST) માટે 27 વિધાનસભા બેઠકો અનામત છે. અંબાજીથી ઉમરગામ સુધી વિસ્તરેલા આદિવાસી પટ્ટામાં ભીલ, ચૌધરી, ગામિત, વસાવા અને રાઠવા જેવા સમાજોનું પ્રભુત્વ છે.
એક સમયે આ વિસ્તારોમાં કોંગ્રેસની મજબૂત પક્કડ હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપે પણ અહીં પોતાનું રાજકીય સ્થાન મજબૂત કર્યું છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સક્રિયતાને કારણે આદિવાસી વિસ્તારોમાં ત્રિપાંખિયો રાજકીય મુકાબલો જોવા મળી રહ્યો છે.
4. શહેરી અને સવર્ણ મતદારોનું મહત્ત્વ
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં બ્રાહ્મણ, વણિક, જૈન, લોહાણા સહિતના સમાજો અને પરપ્રાંતીય મતદારોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે.
શહેરી વિસ્તારોની અનેક બેઠકો પર આ મતદારો ચૂંટણીનાં પરિણામોને અસર કરી શકે છે. પરંપરાગત રીતે ભાજપને શહેરી વિસ્તારોમાં મજબૂત સમર્થન મળતું રહ્યું છે.
5. ક્ષત્રિય અને મુસ્લિમ મતદારોનાં સમીકરણો
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિય સમાજનું રાજકીય મહત્ત્વ રહ્યું છે. બીજી તરફ, રાજ્યની કેટલીક બેઠકો પર મુસ્લિમ મતદારોની નોંધપાત્ર વસ્તી ચૂંટણીનાં પરિણામોને પ્રભાવિત કરે છે.
આ બંને સમાજોનું પ્રાદેશિક રાજકારણમાં અલગ મહત્ત્વ છે અને રાજકીય પક્ષો ચૂંટણીની વ્યૂહરચના ઘડતી વખતે આ સમીકરણોને પણ ધ્યાનમાં લે છે.
પબુભા માણેકનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો સામાજિક સમીકરણો મજબૂત કરવાની તૈયારી કરી રહ્યા છે.
હાલ પૂરતું પબુભા માણેકનું નિવેદન રાજકીય ચર્ચાનો વિષય બન્યું છે.પરંતુ આ નિવેદન ભાજપની સત્તાવાર રાજકીય નીતિ છે કે માત્ર એક ધારાસભ્યની વ્યક્તિગત અભિવ્યક્તિ, તે અંગે કોઈ નિષ્કર્ષ કાઢવો વહેલો ગણાશે.
આગામી દિવસોમાં ભાજપના નેતાઓ અને કોળી સમાજના આગેવાનો આ મુદ્દે કેવું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે. બીજી તરફ પાટીદાર અને ભાજપ નેતા વરુણ પટેલે કહ્યું છે કે તમે સત્તા અને પૈસાના જોરે આવી વાતો કરો છો. જો તમારામાં હિંમત હોય તો કોઈ પણ રાજકીય પાર્ટીના સમર્થન વિના ચૂંટણી લડી બતાવો, ત્યારે આ મામલે હવે આગામી સમયમાં રાજનીતિ તેજ બનવાના એંધાણ દેખાઇ રહ્યાં છે.