Strongest El Nino 2027: વર્ષ 2027માં ગરમીનો પ્રકોપ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.અમેરિકાની હવામાન એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)ના અંદાજે દુનિયાભરમાં તાપમાનના નવા રેકોર્ડ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત બની રહી હોવાના અહેવાલો વચ્ચે 1950 બાદના સૌથી શક્તિશાળી અલ નીનોની આશંકા વ્યક્ત થઈ છે. તેની અસર માત્ર ગરમી પૂરતી સીમિત નહીં રહે, પરંતુ દુનિયાના અનેક દેશોમાં વરસાદની પેટર્ન બદલાઈ શકે છે. ક્યાંક ભીષણ દુષ્કાળ તો ક્યાંક અતિભારે વરસાદ અને પૂરનું જોખમ ઊભું થઈ શકે છે.

અલ નીનો 1950 બાદના તમામ રેકોર્ડ તોડી શકે છે !

હવામાન સંબંધિત અહેવાલો અનુસાર, પ્રશાંત મહાસાગરના ભૂમધ્યરેખીય વિસ્તારમાં સમુદ્રની સપાટીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. NOAAના અંદાજ મુજબ, અલ નીનોની સ્થિતિ આગામી મહિનાઓમાં વધુ મજબૂત બની શકે છે અને 2027ની શરૂઆત સુધી તેની અસર જોવા મળી શકે છે.

અહેવાલમાં જણાવ્યાં અનુસાર, ઓક્ટોબરથી ડિસેમ્બર અને નવેમ્બરથી જાન્યુઆરીના સમયગાળામાં અલ નીનો 1950 બાદના અગાઉના રેકોર્ડ તોડી શકે તેવી આશરે 60 ટકા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 2.5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ રહેવાની આશંકા છે.