અમદાવાદ: ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની ટ્રાયલ દરમિયાન મોટો વળાંક આવ્યો છે. અકસ્માત સમયે મુખ્ય આરોપી તથ્ય પટેલ સાથે જેગુઆર કારમાં સવાર રહેલા પાંચેય મિત્રોએ કોર્ટમાં પોતાની અગાઉની પોલીસ જુબાનીથી અલગ નિવેદન આપ્યું છે. કારની ઝડપ અંગે પૂછવામાં આવતાં પાંચેય સાક્ષીઓએ પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. આ બદલાયેલી જુબાનીને પગલે તમામ પાંચ સાક્ષીઓને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવ્યાં છે.
કોર્ટમાં પાંચેય સાક્ષીઓની બદલાઈ જુબાની
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની સુનાવણી દરમિયાન તથ્ય પટેલ સાથે કારમાં હાજર રહેલા પાંચ મિત્રોને સાક્ષી તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. જો કે,કોર્ટમાં જુબાની આપતી વખતે પાંચેય સાક્ષીઓએ પોલીસ તપાસ દરમિયાન આપેલા નિવેદનથી અલગ વાત રજૂ કરી હતી.
ખાસ કરીને અકસ્માત સમયે જેગુઆર કાર કેટલી ઝડપે દોડી રહી હતી તે અંગે પૂછવામાં આવતાં તેમણે કારની સ્પીડ વિશે જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસ સમક્ષ અગાઉ નોંધાયેલા નિવેદનો અને કોર્ટમાં આપવામાં આવેલી જુબાની વચ્ચે તફાવત સામે આવ્યો છે.
















