વડોદરા: શહેરના બાપોદ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા ₹84 લાખના દારૂકાંડમાં આખરે ઉચ્ચ પોલીસ અધિકારીએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ અહેવાલના આધારે બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) કે.ડી. લાડુમોર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) આર.એન.પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ત્રણ મહિના પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યાં હતા, દરોડા દરમિયાન દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો, જેની અંદાજિત કિંમત ₹84 લાખ હોવાનું સામે આવ્યું હતું.
આ કેસમાંબુટલેગર નીલુ સિંધિનું નામ સામે આવ્યું
SMCની તપાસ દરમિયાન બુટલેગર નીલુ સિંધીએ દારૂનો આ જથ્થો મંગાવ્યો હોવાની વિગતો બહાર આવી હતી. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા હતા. સ્થાનિક પોલીસની જાણ બહાર આટલો મોટો દારૂનો જથ્થો કેવી રીતે આવ્યો અને સમગ્ર મામલે જવાબદારી કોની હતી તે મુદ્દે તપાસ કરવામાં આવી હતી.
















