સુરત: શહેરમાં નશાના કાળા કારોબાર સામે લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હરીપુરા વિસ્તારમાંથી MD ડ્રગ્સના વેચાણનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.કાપડ વેપારીની પત્ની રૂબીના પઠાણ પોતાના રહેણાક ફ્લેટમાંથી વોટ્સએપના માધ્યમથી ડ્રગ્સનો વેપલો ચલાવતી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે દરોડો પાડીને મહિલાની ધરપકડ કરીને કુલ રૂ. 2.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
લાલગેટ પોલીસને હરીપુરા કાંસકીવાડ વિસ્તારમાં આવેલા બાગ-એ-અબ્દુલ રહેમાન ફ્લેટમાં ડ્રગ્સના વેચાણ અંગે બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે ફ્લેટ નંબર 501માં દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ દરમિયાન રૂબીના પઠાણ પાસેથી 61.780 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે અંદાજે રૂ. 1.85 લાખની કિંમતનું ડ્રગ્સ, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મહિલાની ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રૂબીના પઠાણ ટૂંકા સમયમાં વધુ નાણાં કમાવવાની લાલચમાં ડ્રગ્સના ધંધામાં જોડાઈ હતી.તે ગ્રાહકો સાથે વોટ્સએપનો ઉપયોગ કરીને ડ્રગ્સના ઓર્ડર મેળવતી હતી.અલગ-અલગ ગ્રાહકો પાસેથી ઓર્ડર મળ્યાં બાદ તેમને પોતાના ફ્લેટ પર ડ્રગ્સ લેવા માટે બોલાવવામાં આવતા હતા.
આ સમગ્ર નેટવર્કમાં ડ્રગ્સનો જથ્થો પૂરો પાડવામાં મુખ્ય સપ્લાયર તરીકે યોગેશ રેપનું નામ સામે આવ્યું છે. તેની સાથે અન્ય એક શખ્સ પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાની આશંકા છે. પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.
















