નવી દિલ્હીઃ IPL 2027ની સિઝન શરૂ થાય તે પહેલાં જ ક્રિકેટ જગતમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા IPL ઇતિહાસના સૌથી મોટા અને હાઈ-પ્રોફાઈલ ટ્રેડની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ ઐતિહાસિક ડીલ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના કેપ્ટન હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સ (PBKS) તરફથી રમતા જોવા મળશે, જ્યારે ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં એન્ટ્રી થઈ છે. આ મોટા ફેરફારથી આગામી સિઝન પહેલાં જ બંને ફ્રેન્ચાઇઝીના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.
આ ટ્રેડ ડીલ મુજબ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 18 કરોડ રૂપિયાની તગડી ફી સાથે પંજાબ કિંગ્સની ટીમ સાથે જોડાયો છે. અગાઉ મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિકની વર્તમાન ફી 16.35 કરોડ રૂપિયા હતી. આમ, પંજાબ કિંગ્સમાં જતાં જ હાર્દિકની સેલેરીમાં સીધો 1.65 કરોડ રૂપિયાનો મોટો વધારો થયો છે. હાર્દિક પંજાબની ટીમમાં માત્ર બેટિંગ અને બોલિંગ જ નહીં, પરંતુ કેપ્ટનશિપનો બહોળો અનુભવ પણ લઈને જશે, જેનાથી પંજાબના મિડલ ઓર્ડર અને ઓલરાઉન્ડ વિભાગને જબરદસ્ત મજબૂતી મળશે.
બીજી તરફ, મુંબઈ ઇન્ડિયન્સે પોતાના બોલિંગ આક્રમણને ધારદાર બનાવવા માટે ભારતના પ્રમુખ T20 બોલર અર્શદીપ સિંહને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. અર્શદીપ તેની વર્તમાન 18 કરોડ રૂપિયાની ફી પર જ મુંબઈની ટીમ સાથે જોડાયો છે. પુરુષોના T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનાર અર્શદીપ નવી બોલથી સ્વિંગ કરાવવા ઉપરાંત ડેથ ઓવર્સમાં સચોટ યોર્કર નાખવામાં માહિર છે. જસપ્રીત બુમરાહ સાથે અર્શદીપની જોડી મુંબઈ માટે ઘાતક સાબિત થઈ શકે છે.
હાર્દિક પંડ્યા અને મુંબઈ ઇન્ડિયન્સ: આ ટ્રેડ સાથે જ હાર્દિક પંડ્યાની મુંબઈ ઇન્ડિયન્સ સાથેની બીજી ઈનિંગનો અંત આવ્યો છે. તેણે 2015માં મુંબઈ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને 2015, 2017, 2019 તથા 2020માં ટીમને ચાર વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ 2022માં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બનીને તેણે પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીતાડ્યું હતું અને 2023માં ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. 2024માં તે ફરી મુંબઈ પરત ફર્યો હતો અને કેપ્ટનશિપ સંભાળી હતી. હાર્દિકે અત્યાર સુધી 162 IPL મેચોમાં 2,955 રન બનાવવા ઉપરાંત 82 વિકેટ ઝડપી છે.













