નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનું પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ' સોમવારે લૉન્ચ થયું હતું. આ પુસ્તકમાં સોનિયા ગાંધીએ કરેલા ખુલાસાઓને લઈને ભારે ચર્ચા જાગી છે. આ પુસ્તકમાં ઈમરજન્સીનો ઉલ્લેખ છે, બાબરી મસ્જિદ ધ્વંસ વખતે સોનિયાની આંખોમાંથી આંસુ સરી પડવાની વાત છે. પુસ્તકમાં સોનિયા ગાંધીએ પીએમ મોદી વિશે પણ વાત કરી છે અને સોનિયા ગાંધીએ વર્ષ 2004માં ભારતના વડાપ્રધાન બનવાનો શા માટે ઇનકાર કર્યો તેનો પણ ઉલ્લેખ કર્યો છે.
પોતાના પુસ્તકમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદ ન સ્વીકારવા અંગે વિગતવાર લખ્યું છે. સોનિયા ગાંધીનું કહેવું છે કે, રાહુલ અને પ્રિયંકા મારા વડાપ્રધાન બનવાની તરફેણમાં નહોતા. બંને પોતાની દાદી ઇન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યાના આઘાતમાંથી બહાર આવી શક્યા નહોતા. જ્યારે મેં કહ્યું કે હું પીએમ નહીં બનું, ત્યારે રાહુલ અને પ્રિયંકાએ રાહતનો શ્વાસ લીધો હતો. સોનિયા જણાવે છે કે, ચૂંટણી પહેલાં જ રાહુલ અને પ્રિયંકાએ આ સવાલ પૂછ્યો હતો ત્યારે પણ મેં પીએમ બનવાની શક્યતા નકારી કાઢી હતી, પરંતુ મારા મનની અંદર આ મુદ્દે ભારે મનોમંથન અને ઉથલપાથલ ચાલી રહી હતી.
સોનિયા ગાંધીએ વર્ષ 2004ની લોકસભા ચૂંટણી પહેલાં થયેલી વાતચીતને યાદ કરતાં જણાવ્યું: ચૂંટણીના થોડા મહિના પહેલાં મેં મારા બાળકો સાથે આ શક્યતા પર ચર્ચા કરી હતી કે હું વડાપ્રધાન બની શકું છું. તેમાંથી એકે મને સીધું જ પૂછ્યું કે જો આપણી પાર્ટી ચૂંટણી જીતી જાય તો શું તમે આ પદ સ્વીકારશો? મેં લગભગ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, બિલકુલ નહીં! તેમણે ફરી પૂછ્યું, શું તમને પાકી ખાતરી છે? મેં ભારપૂર્વક કહ્યું, હું આ બાબતે એકદમ સ્પષ્ટ છું.
સોનિયા ગાંધીએ આગળ એ પણ જણાવ્યું છે કે 10 જનપથ સ્થિત નિવાસસ્થાને બેઠક દરમિયાન નેતાઓના ભારે દબાણમાં આવીને તેમણે લગભગ સંભળાય નહીં તેવા ધીમા અવાજે બબડતાં 'ઠીક છે' કહી દીધું હતું. સોનિયા ગાંધીએ ઉમેર્યું: પ્રિયંકા રૂમની બહાર ઊભી હતી. તે મારો જવાબ સાંભળતાં જ રડતી રડતી ઘરમાં રાહુલને શોધવા દોડી ગઈ અને રાહુલને કહ્યું કે મમ્મીએ નેતાઓની માંગણી સ્વીકારી લીધી છે. રાહુલે પૂછ્યું: તેમણે આવું કેમ કર્યું! તેઓ ક્યાં છે?













