મહીસાગરઃ જિલ્લામાં સરકારી નોકરી મેળવવાની આશા રાખતા બેરોજગાર યુવક- યુવતીઓ સાથે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 112 ઇમરજન્સી સેવા અને મહિલા હેલ્પલાઇન 181 માં સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને એક શખ્સે 58 જેટલા ઉમેદવારો પાસેથી રૂ. 11 લાખ 20 હજારથી વધુની રકમ પડાવી હોવાનો આક્ષેપ થયો છે. નોકરીના નામે પૈસા આપ્યાં બાદ લાંબો સમય વીતી જવા છતાં નોકરી ન મળી અને નાણાં પણ પરત ન મળતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મહીપાલસિંહ વિજયસિંહ જાદવ નામના શખ્સે બેરોજગાર યુવક-યુવતીઓને રાજ્યની 112 ઇમરજન્સી સેવા અને 181 મહિલા હેલ્પલાઇનમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. સરકારી નોકરી મેળવવાની આશામાં ઉમેદવારોએ આરોપી પર વિશ્વાસ મૂક્યો હતો અને અલગ-અલગ સમયે નાણાં આપ્યાં હતા. આ રીતે કુલ 58 જેટલા ઉમેદવારો પાસેથી રૂ. 11,20,650 ની રકમ લઇ લેવામાં આવી હતી.
યુવક-યુવતીઓએ નોકરી મેળવવાની આશામાં લાખો રૂપિયા આપ્યાં, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં કોઈને નોકરી મળી નહીં.ઉમેદવારોએ પોતાના નાણાં પરત માગ્યા હોવા છતાં રકમ પરત ન મળતાં તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી અને પછી પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ સમગ્ર મામલે ભોગ બનનાર હિતેશ બારિયા નામના યુવકે આગળ આવીને મહીપાલસિંહ વિજયસિંહ જાદવ વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં 58 ઉમેદવારો પાસેથી કુલ રૂ. 11,20,650 પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

















