ચંડીગઢઃ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ હરિયાણાના પંચકુલામાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST)વિભાગના એક સુપરિન્ટેન્ડેન્ટને 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. GST સંબંધિત કાર્યવાહી દરમિયાન ખાનગી કંપનીને ગેરકાયદેસર લાભ પહોંચાડવાના બદલામાં લાંચ માગવામાં આવી હોવાનો આરોપ છે.
CBIના જણાવ્યાં અનુસાર,આ મામલે 19 નવેમ્બર, 2026ના રોજ ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી એક ખાનગી કંપનીમાં ભાગીદાર છે.આરોપ છે કે CGST સુપરિન્ટેન્ડેન્ટે કંપની સામે ચાલી રહેલી GST કાર્યવાહી દરમિયાન ભારે દંડ ન ફટકારવા અને વધુ ડિમાન્ડ નોટિસ જારી ન કરવા બદલ શરૂઆતમાં રૂ.50 લાખની લાંચ માગી હતી.
ત્યાર બાદ લાંચની રકમ ઘટાડીને રૂ.20 લાખ કરવામાં આવી હતી,જેમાં પ્રથમ હપ્તા તરીકે રૂપિયા 10 લાખ આપવાનું નક્કી થયું હતું. જો કે, CBI દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક ચકાસણી દરમિયાન લાંચની માગણીની પુષ્ટિ થતી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન આરોપીએ લાંચની માગ વધારીને રૂ.25 લાખ કરી હતી અને પ્રથમ હપ્તા તરીકે રૂ. 10 લાખ માંગ્યા હતા
CBI એ ગોઠવ્યું છટકું, રૂપિયા 10 લાખની રકમ સાથે અધિકારી ઝડપાયા















