30 અલગ- અલગ ડિઝાઇન, વજન માત્ર 41 ગ્રામ
Samsungએ આ સ્માર્ટ ચશ્માંને સ્ટાઇલિશ બનાવવા માટે જાણીતી ફેશન બ્રાન્ડ્સ Gentle Monster અને Warby Parker સાથે ભાગીદારી કરી છે. આ રેન્જમાં કુલ 30 અલગ-અલગ ડિઝાઇન ઉપલબ્ધ થશે.
Gentle Monster ના મોડલ આધુનિક અને પ્રીમિયમ લુક સાથે આવશે, જ્યારે Warby Parkerના મોડલ સામાન્ય ચશ્માં જેવી ડિઝાઇન ધરાવશે. તેમાં વિવિધ ફ્રેમ, કલર અને લેન્સના વિકલ્પો પણ મળશે.
ખાસ વાત એ છે કે આ ચશ્માંનું વજન લગભગ 41 ગ્રામ રાખવામાં આવ્યું છે, જેથી યુઝર્સ તેને લાંબા સમય સુધી આરામથી પહેરી શકે.
Gemini AI કરશે તમારા અનેક કામ
આ સ્માર્ટ ચશ્માંની સૌથી મોટી ખાસિયત તેમાં મળતો Google Gemini AI આસિસ્ટન્ટ છે. વૉઇસ કમાન્ડ દ્વારા તમે અનેક કામ કરી શકશો.
કોઈ પણ સ્થળની માહિતી: સામે દેખાતી ઇમારત કે જાણીતા સ્થળ વિશે Geminiને પૂછી શકશો.
તાત્કાલિક ભાષાંતર: રેસ્ટોરન્ટના મેનૂ કે અન્ય ભાષામાં લખેલી માહિતી સમજી શકશો.
રસ્તો શોધવો: Google Mapsની મદદથી રસ્તા અને દિશાઓ વિશે માહિતી મેળવી શકશો.
મીટિંગની નોંધ: વ્હાઇટબોર્ડનો ફોટો પાડીને Gemini પાસે તેનો સારાંશ તૈયાર કરાવી શકશો.
નોટ્સ સેવ કરવી: તૈયાર થયેલી માહિતી Samsung Notesમાં સેવ કરી શકશો.
મેસેજ અને કોલિંગ: નોટિફિકેશન સાંભળી શકશો, મેસેજના જવાબ આપી શકશો અને હેન્ડ્સ-ફ્રી કોલ પણ કરી શકશો.
આ તમામ સુવિધાઓનો મુખ્ય હેતુ એ છે કે યુઝરને વારંવાર સ્માર્ટફોન હાથમાં લેવાની જરૂર ન પડે.
12MP કેમેરાથી 3K વીડિયો રેકોર્ડિંગ
ફોટોગ્રાફી અને વીડિયો માટે Samsungના આ સ્માર્ટ ચશ્માંમાં 12 મેગાપિક્સલનો HDR કેમેરા આપવામાં આવ્યો છે. તેની મદદથી 30fps પર 3K રિઝોલ્યુશનમાં વીડિયો રેકોર્ડ કરી શકાશે.
ઓડિયો માટે તેમાં બે ઓપન-ઈયર સ્પીકર અને ચાર માઇક્રોફોન આપવામાં આવ્યાં છે. ચશ્માંમાં Qualcomm Snapdragon AR1 Gen 1 પ્રોસેસર પ્લેટફોર્મ, 2GB RAM અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે.
એક વખતના ચાર્જમાં 9 કલાક ચાલશે બેટરી
બેટરીની વાત કરીએ તો Samsungના દાવા પ્રમાણે આ સ્માર્ટ ચશ્માં એકવાર ચાર્જ કર્યા પછી લગભગ 9 કલાક સુધી કામ કરી શકશે. જ્યારે તેની સાથે મળતા ચાર્જિંગ કેસની મદદથી કુલ બેટરી લાઇફ 72 કલાક સુધી પહોંચી શકે છે.
કિંમત કેટલી હશે ?
Samsungના આ સ્માર્ટ ચશ્માંની કિંમત તેની ડિઝાઇન અને મોડલ પ્રમાણે અલગ-અલગ હશે.
Warby Parker મોડલ: શરૂઆતની કિંમત 395 ડોલર.
Gentle Monster મોડલ: કિંમત 449 થી 489 ડોલર વચ્ચે.
આ ચશ્માંમાં પ્રાઇવસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કેમેરા દ્વારા રેકોર્ડિંગ શરૂ થાય ત્યારે LED ઇન્ડિકેટર લાઇટ ચાલુ થશે, જેથી આસપાસના લોકોને રેકોર્ડિંગ અંગે જાણ થઈ શકે. યુઝર્સ એપની પરમિશન અને Geminiની એક્ટિવિટી પણ નિયંત્રિત કરી શકશે.
Samsungના જણાવ્યાં અનુસાર, Gemini દ્વારા ભેગી કરવામાં આવતી વિઝ્યુઅલ માહિતીનો ઉપયોગ AI ટ્રેનિંગ અથવા જાહેરાતો માટે કરવામાં આવશે નહીં.
કયા સ્માર્ટફોન સાથે કામ કરશે ?
આ સ્માર્ટ ચશ્માં પસંદગીના Samsung Galaxy સ્માર્ટફોન, Google Pixel 7 અને તેનાથી નવા મોડલ ઉપરાંત iPhone 13 અને ત્યાર પછીના મોડલને પણ સપોર્ટ કરશે.
ભારતમાં ક્યારે થશે લોન્ચ ?
હાલમાં Samsungએ આ સ્માર્ટ ચશ્માંને અમેરિકા અને દક્ષિણ કોરિયામાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જોકે, ભારતીય બજારમાં તેની એન્ટ્રી ક્યારે થશે અને ભારતમાં તેની કિંમત કેટલી હશે તે અંગે કંપનીએ હજુ સત્તાવાર માહિતી આપી નથી.