FACT CHECK: ભારત રત્ન સ્વ. બિસ્મિલ્લાહ ખાનનું ઘર તૂટવા પર વિવાદ, વિપક્ષના આરોપો પર પરિવારજનો અને વહીવટીતંત્રે શું કહ્યું ?તસવીર: ગુજરાત પોસ્ટ
શેર કરો:
FACK CHECK: દિવંગત શહેનાઈ વાદક અને ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનના વારાણસી સ્થિત અંદાજે 100 વર્ષ જૂના પૈતૃક ઘરને લઈને વિવાદ છેડાયો છે, જ્યારે અખિલેશ યાદવ સહિત વિપક્ષના અનેક નેતાઓએ તેમનું ઘર તોડી પાડવા બદલ ભાજપ અને યુપી સરકાર પર નિશાન સાધ્યું. જો કે, બિસ્મિલ્લાહ ખાનના પરિવારજનો અને વારાણસી વહીવટીતંત્રનું કહેવું છે કે આ પરિવારજનોનો અંગત નિર્ણય હતો.
ઉસ્તાદના પ્રપૌત્રએ જણાવ્યું કે મકાનની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ હતી, તેથી તેને તોડીને નવેસરથી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે મકાનના પહેલા માળે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનનું મ્યુઝિયમ બનાવવામાં આવશે, જ્યારે તેની ઉપર પરિવારના રહેવા માટે આવાસ તૈયાર કરવામાં આવશે.
અખિલેશ યાદવ અને સંજય સિંહે યોગી સરકાર પર સાધ્યું નિશાન
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તૂટેલા ઘરના કાટમાળનો વીડિયો શેર કરતા ભાજપ પર કલા વિરોધી હોવાનો આરોપ લગાવ્યો અને બિસ્મિલ્લાહ ખાનના પૈતૃક ઘરને ધ્વસ્ત કરવા માટે ભાજપ સરકારને જવાબદાર ઠેરવતા તેને સાંસ્કૃતિક વારસા પર હુમલો ગણાવ્યો. કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ આ વીડિયો શેર કરતા તેને બુલડોઝર કાર્યવાહી સાથે જોડ્યો.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ બિસ્મિલ્લાહ ખાનની પુત્રી ઝરીના બેગમના એક નિવેદનને શેર કરતા યોગી સરકાર પર નિશાન સાધ્યું. આ નિવેદનમાં તેઓ પોતાના સંબંધીઓ પર ઘર તોડવાનો આરોપ લગાવતા સરકાર પાસે હસ્તક્ષેપની ગુહાર લગાવતા જોવા મળી રહ્યાં છે.
વારાણસી વહીવટીતંત્ર દ્વારા ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનનું પૈતૃક ઘર ધ્વસ્ત કરવા સંબંધિત માહિતી માટે જ્યારે સરાય હડહા સ્થિત તેમના નિવાસસ્થાને તપાસ કરવામાં આવી, ત્યારે તેમના સંબંધીઓ અને આસપાસના લોકોએ જણાવ્યું કે ઘર તોડવાની પ્રક્રિયામાં વહીવટીતંત્રની કોઈ ભૂમિકા નથી. મકાનની હાલત ઘણી જર્જરિત થઈ ગઈ હતી, જેના કારણે પરિવારના સભ્યોએ જ આ નિર્ણય લીધો છે.
વારાણસી પોલીસ દ્વારા મોકલવામાં આવેલી નોટમાં પણ વારાણસી વિકાસ સત્તામંડળ (VDA) ના સચિવ વેદ પ્રકાશ મિશ્રાને ટાંકીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનના પૈતૃક મકાન (સીકે 46/63) ના જૂના માળખાને પરિવારના સભ્યો જ તોડાવી રહ્યા છે, જેથી ત્યાં ફરીથી બાંધકામ કરાવી શકાય.
ઘર તોડવાની પ્રક્રિયા અમારા તરફથી શરૂ થઈ: ગાઝી અબ્બાસ
ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનના પ્રપૌત્ર ગાઝી અબ્બાસે વાતચીતમાં કહ્યું કે, ઘર તોડવાની પ્રક્રિયા પરિવાર તરફથી 7 નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે. તેમના જણાવ્યાં મુજબ તેને તોડતા પહેલા વારાણસી વિકાસ સત્તામંડળ (VDA) અને વહીવટીતંત્ર પાસેથી મંજૂરી પણ લેવામાં આવી હતી.
ગાઝી અબ્બાસે વધુમાં જણાવ્યું કે, પરિવારની યોજના મકાનને નવેસરથી બનાવવાની છે. તેના ફર્સ્ટ ફ્લોર પર ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની ધરોહરને સુરક્ષિત રાખીને મ્યુઝિયમ બનાવવામાં આવશે અને તેની ઉપર રહેણાંક બાંધકામ કરવામાં આવશે.
મહાનગરપાલિકાએ આપ્યો હતો મ્યુઝિયમ બનાવવાનો પ્રસ્તાવ
વારાણસી મહાનગરપાલિકાએ ડિમોલિશનમાં તેમની કોઈ પણ પ્રકારની ભૂમિકા હોવાની વાત ફગાવી દેતા જણાવ્યું કે તેમના નિવાસસ્થાને સંગ્રહાલય વિકસાવવા અંગે વાતચીત કરવામાં આવી હતી, પરંતુ પરિવારે તેની સંમતિ આપી ન હતી. હવે આ ભવનનું ડિમોલિશન પરિવાર દ્વારા સ્વયં કરાવવામાં આવી રહ્યું છે.
વારાણસી મહાનગરપાલિકાના પીઆરઓ સંદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે પ્રસ્તાવને મંજૂરી ન મળી, જેના કારણે મહાનગરપાલિકા મ્યુઝિયમ બનાવવાની યોજના પર કામ કરી શકી નહીં. જોકે, પ્રપૌત્ર ગાઝી અબ્બાસે જણાવ્યું કે અંદાજે ત્રણ મહિના પહેલા મહાનગરપાલિકા તરફથી પરિવારને બિસ્મિલ્લાહ ખાનના રૂમને સંગ્રહાલય તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમાં આખું ઘર સામેલ ન હોવાથી સંમતિ બની શકી નહીં. ત્યાર બાદ આ અંગે કોઈ સુનાવણી થઈ નહીં, તેથી હાલ પરિવાર પોતાની રીતે આ પહેલ કરી રહ્યો છે.
બિસ્મિલ્લાહ ખાનના પૌત્ર મોહમ્મદ સિબ્તૈને પણ મીડિયાને આપેલા નિવેદનોમાં જણાવ્યું છે કે વહીવટીતંત્ર તરફથી ઘર તોડવા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. મકાનની હાલત જોતા ઘરના સભ્યોએ પરસ્પર સંમતિ અને મંજૂરી લીધા બાદ તેના પુનઃનિર્માણનો નિર્ણય કર્યો છે.
પરસ્પર વિવાદથી મામલાની ચર્ચા વધી
1 નવેમ્બરનો વિવાદ: અહેવાલો મુજબ 1 નવેમ્બરના દિવસે બિલ્ડર જ્યારે ઘર તોડવા પહોંચ્યાં, ત્યારે પરિવારના કેટલાક સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. બાદમાં પોલીસના હસ્તક્ષેપ અને પરસ્પર સંમતિ બન્યાં બાદ કામ શરૂ થયું હતુ. જો કે, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની પુત્રી ઝરીના બેગમે મકાન તોડવા પર વાંધો ઉઠાવ્યો હતો અને પિતાના વારસાને જાળવી રાખવાની અપીલ કરી હતી.
2020 નો જૂનો વિવાદ: આ પહેલા વર્ષ 2020 માં પણ આવો જ મામલો સામે આવ્યો હતો. ત્યારે પરિવારના કેટલાક સભ્યો ઘર તોડીને ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાના પક્ષમાં હતા, જ્યારે કેટલાક લોકો આ ધરોહરને સાચવવા માંગતા હતા. દરમિયાન બિસ્મિલ્લાહ ખાનના રિયાઝ કરવાના રૂમને તોડવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વહીવટીતંત્રના હસ્તક્ષેપ બાદ કામ અટકાવી દેવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં કોઈ પણ સમારકામ કે બાંધકામ માટે VDAની મંજૂરી લેવાનું કહેવામાં આવ્યું હતું.