રશિયન મીડિયા રેન ટીવીના અહેવાલ મુજબ, કેમેરોવો ક્ષેત્રના ગવર્નર ઇલ્યા સેરેડ્યૂકે સ્થાનિક સમય અનુસાર રાત્રે આશરે 9:30 વાગ્યે આ દુર્ઘટનાની માહિતી આપી હતી. અહેવાલો અનુસાર, વિમાનમાં આગ લાગ્યા બાદ પાઇલટ અને ક્રૂ મેમ્બર્સે તેને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. સળગતા વિમાનને રહેણાંક ઇમારતોથી દૂર લઈ જવાના આ પ્રયાસને કારણે જમીન પર મોટી જાનહાનિ ટળી છે.
મળતી માહિતી પ્રમાણે, આ વિમાન સાઇબિરીયાના નોવોસિબિર્સ્કથી ક્રાસ્નોયાર્સ્ક ક્રાઈના કાંસક શહેર તરફ જઈ રહ્યું હતું. જોકે, દુર્ઘટના કયા ચોક્કસ કારણોસર સર્જાઈ તે અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. દુર્ઘટનાની જાણ થતાં જ રશિયન તંત્ર હરકતમાં આવ્યું હતું. ગવર્નર ઇલ્યા સેરેડ્યૂકે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે.
બચાવ અને રાહત કામગીરી માટે મેડિકલ ટીમો, પોલીસ, ઈમરજન્સી સેવાઓ તેમજ નેશનલ ગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે.
શું છે An-12 વિમાનની ખાસિયત ?
An-12 એ સોવિયત યુગનું ચાર એન્જિન ધરાવતું સૈન્ય પરિવહન વિમાન છે. એન્ટોનોવ કંપની દ્વારા વિકસાવવામાં આવેલા આ વિમાનની ડિઝાઇન 1950 ના દાયકામાં તૈયાર કરવામાં આવી હતી. આ વિમાનનો મુખ્ય ઉપયોગ સૈનિકો, લશ્કરી ઉપકરણો અને ભારે સામાનની હેરફેર માટે કરવામાં આવે છે. લાંબા સમયથી સૈન્ય અને કાર્ગો પરિવહન ક્ષેત્રે તેનો ઉપયોગ થતો આવ્યો છે.
રશિયામાં અગાઉ પણ સર્જાઈ હતી વિમાન દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે રશિયામાં તાજેતરના સમયમાં સૈન્ય વિમાનો સાથે સંકળાયેલી દુર્ઘટનાઓના અહેવાલો સામે આવ્યાં છે. આ પહેલાં ઓક્ટોબર મહિનામાં બાલ્ટિક સમુદ્ર નજીક આવેલા કાલિનિનગ્રાદ વિસ્તારમાં નિયમિત તાલીમ ઉડાન દરમિયાન રશિયાનું Su-30 ફાઇટર જેટ પણ ક્રેશ થયું હતું.