સુરત: ડાયમંડ સિટી સુરતમાં સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે દરોડા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા એક સ્પા પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની રેડ જોઈને ગભરાઈ ગયેલા 42 વર્ષીય સ્પા સંચાલકે બચવાના પ્રયાસમાં બિલ્ડિંગના ચોથા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી, જેમાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પોલીસને જોઈને સંચાલક ગભરાઈ ગયો
મળતી માહિતી મુજબ સુરત AHTU ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના એક સ્પામાં નિયમો વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ તપાસ અર્થે સ્પા પર પહોંચી હતી. અચાનક પોલીસ કાફલાને જોઈને સ્પામાં હાજર 42 વર્ષીય સંચાલક રાજેશ રઘુવરસિંહ ભારે ગભરાઈ ગયો હતો. પોલીસની કાર્યવાહી અને ધરપકડના ડરથી તેણે આવેશમાં આવીને કોઈ પણ વિચાર કર્યા વિના બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ઝંપલાવી દીધું હતું.

















