અમરેલી: રાજકીય નેતાઓ અને જનપ્રતિનિધિઓ જ્યારે પ્રોટોકોલ અને વ્યસ્ત કાર્યક્રમોને બાજુ પર રાખીને સામાન્ય નાગરિકની મદદે આવે છે, ત્યારે માનવતાની મહેક પ્રસરી જતી હોય છે. આવો જ એક પ્રેરણાદાયી અને સંવેદનશીલ કિસ્સો અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી સામે આવ્યો છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ અકસ્માતમાં ફસાયેલી એક પ્રસૂતા મહિલા અને તેના નવજાત શિશુની તાત્કાલિક મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાજ્યપાલના કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે બની ઘટના
મળતી વિગતો અનુસાર, ધારાસભ્ય હીરા સોલંકી રાજ્યપાલના કાર્યક્રમમાં હાજરી આપીને પોતાના કાફલા સાથે પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન રાજુલા નજીક આવેલી હિંડોરણા ચોકડી પાસેથી તેમનો કાફલો પસાર થઈ રહ્યો હતો, ત્યારે રસ્તા પર એક કાર અકસ્માત થયેલો જોવા મળ્યો હતો. અકસ્માતના સ્થળે લોકોની ભીડ અને એક મહિલાને મુશ્કેલીમાં જોઈને ધારાસભ્યએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના પોતાના કાફલાને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો હતો.
ડિલિવરી બાદ ઘરે પરત ફરી રહેલા માતા- બાળક મુશ્કેલીમાં મુકાયાં હતાં

















