રાજસ્થાનના ગ્રામીણ રાજકારણમાં પંચાયત ચૂંટણીનાં પરિણામોએ નવા રાજકીય સમીકરણો સર્જ્યાં છે. રાજ્યની 37 જિલ્લા પરિષદ અને 419 પંચાયત સમિતિઓની ચૂંટણીનાં પરિણામોમાં કોંગ્રેસે ભાજપ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.
દાવા મુજબ, કોંગ્રેસે 24 જિલ્લામાં બહુમતી મેળવી છે, જ્યારે ભાજપ માત્ર 5 જિલ્લામાં જ બહુમતી સુધી પહોંચી છે. એક જિલ્લામાં RLP એ બહુમતી મેળવી છે, જ્યારે 7 જિલ્લામાં સત્તા મેળવવા માટે અન્ય પક્ષો અથવા અપક્ષોના સમર્થનની જરૂર પડી શકે છે.
પંચાયત સમિતિઓમાં પણ કોંગ્રેસ આશરે 269 જગ્યાએ પ્રધાન બનાવવાની સ્થિતિમાં હોવાનું જણાવાયું છે, જ્યારે ભાજપનો આંકડો આશરે 73 ની આસપાસ છે.
2: ત્રીજી તાકાત તરીકે RLP અને BAP ની એન્ટ્રી
આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત બે પ્રાદેશિક પક્ષોએ પણ પોતાની તાકાતનો પરચો આપ્યો છે. હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)એ જિલ્લા પરિષદમાં 37 અને પંચાયત સમિતિમાં 496 વોર્ડમાં જીત મેળવી હોવાનો દાવો છે.
બીજી તરફ, રાજકુમાર રોતની ભારત આદિવાસી પાર્ટી (BAP)એ પણ આદિવાસી વિસ્તારોમાં મજબૂત પ્રદર્શન કર્યું છે.પાર્ટીએ જિલ્લા પરિષદમાં 22 અને પંચાયત સમિતિમાં 276 વોર્ડમાં જીત નોંધાવી છે.
આ પરિણામો દર્શાવે છે કે રાજસ્થાનના રાજકારણમાં હવે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત પ્રાદેશિક પક્ષોની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ છે.
3: ભાજપની હારનાં 3 મોટા કારણો
હવે વાત કરીએ ભાજપને લાગેલા ઝટકાની. રાજકીય વિશ્લેષણ મુજબ, ભાજપની નબળી કામગીરી પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર માનવામાં આવી રહ્યાં છે.
ધારાસભ્યો સામે સ્થાનિક સ્તરે નારાજગી
ઘણા વિસ્તારોમાં સ્થાનિક ધારાસભ્યો સામે લોકોમાં અસંતોષ હોવાની ચર્ચા હતી. આ નારાજગીની અસર પંચાયત ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો પર પડી હોવાનું માનવામાં આવે છે.
ટિકિટ વહેંચણીમાં પરિવારવાદના આક્ષેપો
પરિવારવાદનો વિરોધ કરતી ભાજપમાં જ કેટલાક નેતાઓના સગા- સંબંધીઓને ટિકિટ આપવામાં આવતાં સ્થાનિક કાર્યકરોમાં નારાજગી ફેલાઈ હોવાની ચર્ચા છે. પરિણામે પક્ષની અંદર અસંતોષ અને આંતરિક ખેંચતાણ જોવા મળી.
કાર્યકરોમાં નિરાશા અને સંગઠનાત્મક અસંતોષ
લાંબા સમયથી રાજકીય નિમણૂંકોની રાહ જોઈ રહેલા નેતાઓ અને કાર્યકરોમાં નિરાશા જોવા મળી છે, સંગઠનના કેટલાક સ્તરે અસંતોષ ચૂંટણીમાં પક્ષ માટે પડકાર બન્યો હોવાનું વિશ્લેષકો માની રહ્યાં છે.
કોંગ્રેસની જીત પાછળનાં 3 કારણો
કોંગ્રેસની સફળતા પાછળ સંગઠનાત્મક એકતા અને સ્થાનિક સ્તરે કરાયેલી મહેનત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
1. બૂથ સ્તર સુધી મજબૂત સંગઠન
કોંગ્રેસે મંડળ, બ્લોક અને જિલ્લા સ્તરે કાર્યકરોને સક્રિય કર્યા. બૂથ સ્તર સુધી સંગઠન મજબૂત બનાવવાની રણનીતિનો પક્ષને ફાયદો મળ્યો.
2. આંતરિક મતભેદો ભૂલી એકજૂથતા
ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આંતરિક મતભેદો બાજુ પર રાખીને એકસાથે કામ કરવાનો પ્રયાસ કર્યો. પ્રદેશ નેતૃત્વએ પણ સતત ચૂંટણીની કામગીરી પર નજર રાખી.
3. સ્થાનિક સહમતિથી ઉમેદવારોની પસંદગી
ટિકિટ વહેંચણીમાં સ્થાનિક નેતાઓની સહમતિ અને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની રણનીતિએ કોંગ્રેસને મદદ કરી હોવાનું માનવામાં આવે છે.
ભાજપમાં મંથન, 2028 ની ચૂંટણી પર નજર
પંચાયત ચૂંટણીનાં પરિણામો બાદ રાજસ્થાનના રાજકીય માહોલમાં ગરમાવો વધી ગયો છે. ભાજપ માટે આ પરિણામો સંગઠન અને સરકાર બંનેની કામગીરીની સમીક્ષા કરવાનો સંકેત બની શકે છે.
બીજી તરફ, કોંગ્રેસ માટે આ જીત આગામી 2028ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને વેગ આપનારી સાબિત થઈ શકે છે. પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા અને વિપક્ષના નેતા ટીકારામ જૂલીના નેતૃત્વને પણ આ પરિણામોથી રાજકીય બળ મળી શકે છે.
ચૂંટણીનાં પરિણામો બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પ્રભારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરિણામોની સમીક્ષા, હારનાં કારણો અને જ્યાં બહુમતી મેળવવાની શક્યતા છે ત્યાં સત્તા રચવાના સમીકરણો અંગે ચર્ચા થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.