અમદાવાદ: વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા અને ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી દિશા આપવા ગુજરાત રાજ્ય દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ભારત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલયની સૂચના અન્વયે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) એટલે કે વીબી-જી રામ જી અધિનિયમ,2025 અંતર્ગત રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં તૈયાર કરવાના વિકસિત ગ્રામ પંચાયત પ્લાન (VGPP) અંગે એક દિવસીય રાજ્યસ્તરીય વર્કશોપનું આયોજન સરદાર પટેલ રાજ્ય વહીવટ સંસ્થા (સ્પીપા), અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં રાજ્યના વિવિધ સ્તરના કુલ 170 અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને અગ્ર સચિવશ્રી ધનંજય દ્વિવેદીના માર્ગદર્શન અને સૂચના હેઠળ તથા રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના વિશેષ નિયામક સી.સી.કોટકની ઉપસ્થિતિમાં યોજાયેલા આ વર્કશોપમાં રાજ્યકક્ષાના અધિકારીઓ,રાજ્યના તમામ 34 જિલ્લાઓના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકઓ તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ સહભાગી બન્યાં હતા.
વર્કશોપના પ્રારંભે વિશેષ નિયામક સી.સી.કોટક દ્વારા પ્રાસંગિક સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે વીબી-જી રામ જી અધિનિયમની મુખ્ય જોગવાઈઓ,વિકસિત ગ્રામ પંચાયત પ્લાનનું મહત્ત્વ, સહભાગી આયોજનની પ્રક્રિયા, પીઆરએ (Participatory Rural Appraisal) ટૂલ્સનો ઉપયોગ, વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને કન્વર્જન્સ તથા આયોજન અને અમલીકરણમાં અધિકારીઓની જવાબદારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે,વિકસિત ગ્રામ પંચાયત પ્લાન એ માત્ર વિકાસ કાર્યોનું આયોજન નથી,પરંતુ ગામની વાસ્તવિક જરૂરિયાતો,સ્થાનિક સંસાધનો અને લોકોની સહભાગિતાને કેન્દ્રમાં રાખીને ગ્રામ્ય વિકાસની દિશા નક્કી કરતું મહત્વપૂર્ણ આયોજન છે. નીચેથી ઉપરના અભિગમ (Bottom-up Planning) દ્વારા તૈયાર થનારા આ પ્લાનથી ગામોમાં ટકાઉ સંપત્તિનું નિર્માણ, વિવિધ યોજનાઓ વચ્ચે સંકલન અને સર્વાંગી ગ્રામ વિકાસને નવી ગતિ મળશે.

















