અમદાવાદ: શહેરમાં પૈતૃક જમીનના વિવાદનો નિકાલ લાવવાની લાલચ આપીને એક વેપારી પરિવાર સાથે રૂ. 59 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો સનસનીખેજ કેસ સામે આવ્યો છે. બોડકદેવ વિસ્તારના 42 વર્ષીય વેપારીએ શહેરના ત્રણ બિલ્ડરો સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બોડકદેવમાં ઓફિસ ધરાવતા એક બિલ્ડર, તેમના પુત્ર અને અન્ય એક પારિવારિક સભ્ય સામે આ ગુનો દાખલ થયો છે. ફરિયાદી પરિવારની સરખેજ-ઓકાફ ફતેવાડી વિસ્તારમાં આશરે 56,000 વાર જેટલી પૈતૃક જમીન આવેલી છે. આ જમીનના અમુક હિસ્સા પર ભાડૂઆતો અને અન્ય લોકોનો કબ્જો હતો, તેમજ ફરિયાદીના કાકા અને તેમના પુત્રોએ પણ માલિકી હકનો દાવો કરતાં કૌટુંબિક વિવાદ ઊભો થયો હતો.
ફેબ્રુઆરી 2022 માં પરિવારે આ બિલ્ડરોનો સંપર્ક કર્યો હતો. ત્રણેય આરોપીઓએ જમીન ખાલી કરાવી તમામ કાનૂની વિવાદો ઉકેલી આપવાની ખાતરી આપી હતી. સાથે જ તેમણે એવી યોજના રજૂ કરી હતી કે પરિવાર કેટલીક જમીન તેમને વેચી દે અને તેમાંથી મળનારી રકમનો ઉપયોગ બાકીની મિલકતોના વિવાદો ઉકેલવાના ખર્ચ પેટે કરવામાં આવે. આ શરતો હેઠળ રૂ. 120 કરોડની કિંમત નક્કી કરી નોટરાઈઝ્ડ એગ્રીમેન્ટ અને પાવર ઓફ એટર્ની મેળવી લેવામાં આવ્યાં હતા, તેમજ ચેક મારફતે આંશિક વ્યવહારો દર્શાવાયા હતા.













