અમદાવાદઃ દેશભરમાં પ્રતિષ્ઠિત એવા 'સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2025-26'ની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ગુજરાતના શહેરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના પ્રતિનિધિઓએ આ ગૌરવપૂર્ણ સન્માન સ્વીકાર્યું હતુ.

સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26માં સામેલ 'સ્વચ્છ શહેર જોડી' કેટેગરીમાં મેન્ટર તરીકે અમદાવાદ અને મેન્ટી તરીકે સાણંદ શહેરે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બંને શહેરોએ સંયુક્ત રીતે સ્વચ્છતાના તમામ માપદંડો પર ખરા ઉતરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ એવોર્ડ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા અને અમદાવાદના મેયર હિતેશ બારોટે રાષ્ટ્રપતિના હસ્તે સ્વીકાર્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાણંદ ઉપરાંત રાણાવાવ, વાંકાનેર, સલાયા અને મુંદ્રા-બારોઈ જેવા શહેરો માટે 'મેન્ટર સિટી' તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. આ અંતર્ગત અમદાવાદે આ શહેરોને કચરાનું યોગ્ય વર્ગીકરણ, વપરાયેલા પાણીનું વ્યવસ્થાપન અને સ્વચ્છતા કર્મચારીઓના કલ્યાણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેનું સકારાત્મક પરિણામ જોવા મળ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોથી સ્વચ્છતા ક્ષેત્રે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા સુરત શહેરને 'નેશનલ ક્લીન સિટી' કેટેગરીમાં દેશમાં બીજું સ્થાન મળ્યું હતું, જ્યારે નવી મુંબઈ પ્રથમ સ્થાને રહ્યું હતું. સુરતનો આ એવોર્ડ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, મેયર માયાબેન માવાણી અને મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યો હતો.