પટનાઃ બિહારમાં જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરના બ્રાહ્મણ સમાજ અંગેના નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.બ્રાહ્મણ સમાજ ભાજપના સમર્થનમાં ઊભો રહેતાં મુસ્લિમોના આશરે 20 ટકા મતો ગુમાવ્યા હોવાનો દાવો કરતાં પ્રશાંત કિશોરે સોશિયલ મીડિયા પર મુસ્લિમો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરનારા લોકો પર પણ નિશાન સાધ્યું છે. 

તેમના નિવેદન બાદ ભાજપના નેતાઓએ આકરા પ્રહારો કર્યા છે.બીજી તરફ રાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસભાએ આ નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે.

પ્રશાંત કિશોરે 5 નવેમ્બરના રોજ દરભંગામાં યોજાયેલી મૈથિલ બુદ્ધિજીવી વિચાર સંગોષ્ઠીમાં હાજરી આપી હતી. દરમિયાન કેટલાક લોકોએ જન સુરાજ પાર્ટીમાં ચૂંટણીની ટિકિટ ફાળવણી વખતે બ્રાહ્મણ સમાજને પ્રાથમિકતા આપવાની માંગ કરી હતી.

આ માગના જવાબમાં પ્રશાંત કિશોરે સવાલ ઉઠાવ્યો હતો કે,છેલ્લા 15 વર્ષથી અહીં બ્રાહ્મણ સમાજના ધારાસભ્ય છે અને સાંસદ પણ બ્રાહ્મણ છે, તેમ છતાં સમાજની સ્થિતિમાં સુધારો કેમ થયો નથી ? તેમણે દાવો કર્યો કે અગાઉ બ્રાહ્મણ ઉમેદવારોને મુસ્લિમ સમાજના આશરે 20 ટકા મતો મળતા હતા, પરંતુ બ્રાહ્મણોએ ભાજપનો ઝંડો ઉઠાવ્યાં બાદ આ મતો તેમનાથી દૂર થઈ ગયા છે.