અમદાવાદ: શહેરમાં પૈતૃક જમીનના વિવાદોનો નિકાલ કરાવી આપવાની લાલચ આપી એક વેપારી પરિવાર સાથે રૂ. 59 કરોડની જંગી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. બોડકદેવ વિસ્તારના 42 વર્ષીય વેપારીએ શહેરના ત્રણ બિલ્ડરો સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બોડકદેવમાં ઓફિસ ધરાવતા એક બિલ્ડર, તેમના પુત્ર અને અન્ય એક પારિવારિક સભ્ય સામે આ ગુનો દાખલ થયો છે. ફરિયાદી પરિવારની સરખેજ-ઓકાફ ફતેવાડી વિસ્તારમાં આશરે 56,000 વાર જેટલી પૈતૃક જમીન આવેલી છે. આ જમીનના અમુક હિસ્સા પર ભાડૂઆતો અને અન્ય લોકોનો કબજો હતો, તેમજ ફરિયાદીના કાકા અને તેમના પુત્રોએ પણ માલિકી હકનો દાવો કરતાં કૌટુંબિક વિવાદ ઊભો થયો હતો.
ફેબ્રુઆરી 2022માં પરિવારે આ બિલ્ડરોનો સંપર્ક કર્યો હતો. ત્રણેય આરોપીઓએ જમીન ખાલી કરાવી તમામ કાનૂની વિવાદો ઉકેલી આપવાની ખાતરી આપી હતી. સાથે જ તેમણે એવી યોજના રજૂ કરી હતી કે પરિવાર કેટલીક જમીન તેમને વેચી દે અને તેમાંથી મળનારી રકમનો ઉપયોગ બાકીની મિલકતોના વિવાદો ઉકેલવાના ખર્ચ પેટે કરવામાં આવે. આ શરતો હેઠળ રૂ. 120 કરોડની કિંમત નક્કી કરી નોટરાઈઝ્ડ એગ્રીમેન્ટ અને પાવર ઓફ એટર્ની મેળવી લેવામાં આવ્યા હતા તેમજ ચેક મારફતે આંશિક વ્યવહારો દર્શાવાયા હતા.
વર્ષ 2024 અને 2025 દરમિયાન જમીનના રજિસ્ટર્ડ દસ્તાવેજો કરી આપવામાં આવ્યા હોવા છતાં પરિવારને નક્કી થયેલી પૂરી રકમ ચૂકવવામાં આવી નહોતી. આરોપીઓએ જમીન ખાલી કરાવવા પાછળ આશરે રૂ. 90 કરોડનો ખર્ચ થયો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેના કોઈ આધાર-પુરાવા કે હિસાબ રજૂ કર્યા નહોતા. જમીનના બાકી નાણાં અને સૂચિત બાંધકામ પ્રોજેક્ટમાં રોકાણના નામે કુલ રૂ. 59 કરોડની રકમ ઓળવી લીધી હોવાનો વેપારીએ આક્ષેપ કર્યો હતો.













