રતલામ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મધ્યપ્રદેશના રતલામ (જાવરા) નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વાપી સેન્ટ્રલ જીએસટી વિભાગમાં સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અધિકારીની કાર અનિયંત્રિત થઈ ઓવરપાસ પરથી નીચે ખાબકતાં પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ રાહત કામગીરી દરમિયાન કારમાંથી આશરે ₹54.50 લાખની રોકડ રકમ અને લાખો રૂપિયાનું સોનું મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાપી ખાતે પોસ્ટીંગ ધરાવતા સેન્ટ્રલ જીએસટી સુપરિન્ટેન્ડેન્ટ પ્રવીણ મીણા (ઉં.વ. 40) દિવાળીના તહેવારોની રજાઓ માણવા પત્ની અને બે પુત્રો સાથે પોતાની કારમાં રાજસ્થાનના ગંગાપુર સિટી સ્થિત વતન જવા નીકળ્યા હતા.જાવરા નજીક સાદાખેડી રોડના ઓવરપાસ પાસે કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈને સીધી ઓવરપાસ પરથી નીચે પટકાઈ હતી.
અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. મોટો ધડાકો સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ક્ષતિગ્રસ્ત કારના પતરાં કાપીને લોહીલુહાણ હાલતમાં ફસાયેલા દંપતી અને બંને બાળકોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તમામને તાત્કાલિક સારવાર અર્થે રતલામ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન કારમાંથી 54.50 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. એક સરકારી અધિકારીની અંગત ગાડીમાંથી આટલી મોટી રોકડ અને કિંમતી સામાન મળી આવતાં પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી આવકવેરા વિભાગને જાણ કરી હતી.













