અમરેલીઃ લીલીયા તાલુકામાં આવેલા ગુંદરણ ગામની સીમમાં એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે.સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં પાર્ક કરેલી તુફાન પેસેન્જર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દીધી હતી.જેમાં સૂતેલા બે મજૂરના અડધા સળગેલા મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ અને એફ.એસ.એલ ની ટીમ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
પોલીસે મૃતકોની ઓળખ કરી લીધી છે, જેમાં રવિ કમલેશભાઇ બધેલ (ઉં.વ-16) અને નીતિન રામસિંગ પચાયા (ઉ.વ-21) નો સમાવેશ થાય છે. આ બંન્ને યુવકો ગાડીમાં સુતા હતા તે સમયે આરોપીઓએ ગાડી સળગાવી દીધી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ યુવકો મધ્યપ્રદેશના વતની હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અને મૃતકો વચ્ચે લેતી દેતી હોવાની આશંકા છે. આ ડબલ મર્ડર કેસમાં પોલીસ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે અને હત્યારાઓને પકડવા વધુ તપાસ હાથધરી છે.













