કોઈ ગુનાહિત ઇતિહાસ નહીં, છતાં ટાર્ગેટ કિલિંગની આશંકા
આ કેસમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે તુષાર શર્માનો કોઈ ગુનાહિત ઇતિહાસ હોવાની માહિતી સામે આવી નથી. પોલીસના જણાવ્યાં અનુસાર, કેનેડામાં તેના સંપર્કો પણ મર્યાદિત હતા. તેમ છતાં તેની સાથે આટલી ગંભીર ઘટના કેવી રીતે બની અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.
તપાસકર્તાઓને પ્રાથમિક રીતે આ ઘટના સામાન્ય અકસ્માત કે આકસ્મિક આગનો મામલો લાગતી નથી. પોલીસને આશંકા છે કે તુષારને નિશાન બનાવીને તેની હત્યા કરવામાં આવી હોઈ શકે છે.સમગ્ર ઘટનાની તપાસ ટાર્ગેટેડ કિલિંગના એંગલથી કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેનેડાની વિશેષ હત્યા તપાસ ટીમ ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ (IHIT) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
IHITના પ્રવક્તા સાર્જન્ટ ફ્રેડા ફોંગે જણાવ્યું કે તપાસકર્તાઓ સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ માટે તુષારના પરિવારજનો, મિત્રો અને પરિચિતો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કેનેડામાં રહેતા લોકો ઉપરાંત વિદેશમાં રહેતા તેના પરિવારજનો પાસેથી પણ જરૂરી માહિતી મેળવવામાં આવી રહી છે.
તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઘટનાના દિવસો પહેલાં તુષાર ક્યાં હતો, કોના સંપર્કમાં હતો અને તેની સાથે છેલ્લે કોણે વાતચીત કરી હતી.
ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યો શોક, પરિવારના સંપર્કમાં અધિકારીઓ
તુષાર શર્માના મોતના સમાચાર સામે આવ્યાં બાદ વાનકુવર સ્થિત ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે પણ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે બ્રિટિશ કોલંબિયાના લેંગલીમાં 25 વર્ષીય ભારતીય નાગરિક તુષાર શર્માના દુઃખદ અવસાનથી તેઓ અત્યંત વ્યથિત છે.
પોલીસની જાહેર જનતાને અપીલ, નાની માહિતી પણ બની શકે મહત્વની કડી
આ હત્યાના રહસ્યને ઉકેલવા માટે કેનેડિયન પોલીસે જાહેર જનતા પાસે મદદ માંગી છે. ખાસ કરીને 29 ઓક્ટોબર પહેલાં તુષાર શર્માની ગતિવિધિઓ, તેના સંપર્કો અને રહેઠાણ અંગે કોઈ માહિતી ધરાવતા લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
તપાસ એજન્સીનું માનવું છે કે કોઈ વ્યક્તિએ તુષારને છેલ્લે ક્યાંય જોયો હોય, તેની સાથે વાતચીત કરી હોય અથવા ઘટનાને લગતી કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોઈ હોય તો તે માહિતી તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
અનેક સવાલો વચ્ચે તપાસ આગળ વધી
25 વર્ષના ભારતીય યુવકનું સળગેલી કારમાંથી મળેલું મૃતદેહ હવે ગંભીર હત્યા તપાસનો વિષય બન્યું છે. તુષારની હત્યા પાછળ વ્યક્તિગત અદાવત હતી કે અન્ય કોઈ કારણ, તેને કોણે નિશાન બનાવ્યો અને કારને આગ લગાડવા પાછળનો હેતુ શું હતો તેવા અનેક સવાલોના જવાબ મળવાના બાકી છે.
હાલમાં IHIT દ્વારા તપાસ ચાલુ છે. પોલીસની તપાસ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે જ આ રહસ્યમય મોત પાછળની હકીકત બહાર આવશે. બીજી તરફ, વિદેશમાં પોતાના પરિવારથી દૂર રહેતા ભારતીય યુવકના આ કરુણ મોતથી તેના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.