રાજકોટ: ધાર્મિક આસ્થા અને મંદિર નિર્માણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. ડાકોરમાં 354 વીઘા જેટલી વિશાળ જમીનમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવાની યોજના હોવાનું જણાવીને રોકાણના નામે રૂ.1.25 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.આ મામલે વડતાલ સંપ્રદાય સાથે સંકળાયેલા બે સ્વામી સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખા (EOW)માં ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
ચોટીલાના નિવૃત્ત અધિકારી નરસિંહ લધરભાઈ વાઢેરે આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ ડાકોરમાં 354 વીઘા જમીન પર સ્વામિનારાયણ મંદિર બનાવવાનો મોટો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હોવાનું જણાવી ફરિયાદીને તેમાં રોકાણ કરવા કહ્યું હતુ, આ પ્રોજેક્ટમાં નાણાંનું રોકાણ કરવાથી ભવિષ્યમાં સારું વળતર મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી અને પછી આ પ્રોજેક્ટની વાત ખોટી સાબિત થઇ હતી.
મંદિરના ભવ્ય પ્રોજેક્ટનું સપનું બતાવી રોકાણ કરાવ્યું
ફરિયાદમાં જણાવ્યાં મુજબ, મંદિર નિર્માણના પ્રોજેક્ટને ધાર્મિક અને આર્થિક રીતે લાભદાયી ગણાવી ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કરવામાં આવ્યો હતો.354 વીઘા જમીન પર મંદિર નિર્માણની યોજના અને તેના ભવિષ્યમાં મળનારા આર્થિક લાભોની વાતો કરીને રોકાણ કરવા માટે સમજાવવામાં આવ્યાં હતા.
ફરિયાદી આ વાતોમાં વિશ્વાસ રાખીને પ્રોજેક્ટમાં નાણાં રોકવા સંમત થયા હતા. ત્યારબાદ રોકાણ કરેલી રકમ અને વળતરને લઈને વિવાદ ઊભો થયો હતો.આખરે રૂ.1.25 કરોડની છેતરપિંડી થયાનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીઓ સામે રૂ.1.25 કરોડની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ છે. જો કે, આ તમામ આરોપો અંગે પોલીસ તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
EOW દ્વારા તપાસમાં અનેક સવાલોના જવાબ શોધાશે
આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા હવે આ સમગ્ર વ્યવહારમાં નાણાંની લેવડદેવડ, જમીનના દસ્તાવેજો, મંદિર નિર્માણ પ્રોજેક્ટની વાસ્તવિકતા, રોકાણ માટે આપવામાં આવેલી ખાતરી અને સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવે તે મહત્વનું છે.
354 વીઘા જમીનમાં મંદિર બનાવવાની વાત કેટલી હદે વાસ્તવિક હતી ? જમીન અંગે કયા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યાં હતા ? રૂ.1.25 કરોડની રકમ કોના ખાતામાં અને કયા માધ્યમથી ટ્રાન્સફર થઈ હતી ? રોકાણ સામે વળતર આપવાની કોઈ લેખિત ખાતરી આપવામાં આવી હતી કે કેમ ? આ તમામ સવાલો તપાસનો મુખ્ય વિષય બની શકે છે.