UAE: સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ફુજૈરાહમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.બેકાબૂ ટ્રકે રસ્તા પર એક પછી એક અનેક વાહનોને જોરદાર ટક્કર મારતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત થયાં છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.મૃતકોમાં અનેક ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
UAEના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ અકસ્માત ફુજૈરાહ અમીરાતના પ્રવેશદ્વાર નજીક મધરાતના સમયે થયો હતો. રસ્તા પર જઈ રહેલા ટ્રકના ચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રક અન્ય એક વાહન સાથે અથડાયો હતો.ત્યાર બાદ ટ્રક પલટી ખાઈ ગયો હતો અને ટ્રાફિક જામના કારણે રસ્તા પર ઊભેલાં અનેક વાહનો સાથે અથડાયો હતો.
આ ટક્કર એટલી ભયાનક હતી કે અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી હતી, જે ધીમે ધીમે અન્ય વાહનો સુધી પણ ફેલાઈ ગઈ હતી. આગ અને ટક્કરના કારણે ઘટના સ્થળે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ અને સિવિલ ડિફેન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.














