અમદાવાદઃ  શીલજ સર્કલ પાસે થયેલા હિટ એન્ડ રનના ચકચારી બનાવમાં મોટો ખુલાસો થયો છે.અકસ્માત સર્જીને ફરાર થયેલો કાર ચાલક રાઘવેન્દ્ર કુશવાહ બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહનો ભત્રીજો છે.

બોપલ પોલીસે CCTV ફૂટેજ અને કારની નંબર પ્લેટને આધારે આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં તેને જામીન મળતા તે છૂટી ગયો  છે.11 નવેમ્બરના રોજ સવારે  7 વાગ્યાની આસપાસ શીલજ સર્કલ નજીક ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો.રેપિડો બાઈક પર સવાર પ્રદીપ કુમાર અને પાછળ બેઠેલા હર્ષદકુમાર પુરબિયાને એક કારે અડફેટે લીધા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 35 વર્ષીય હર્ષદકુમાર પુરબિયાનું મોત નીપજ્યું હતું.

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના વતની હર્ષદકુમાર અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હતા. તેમના મોતથી પરિવાર આઘાતમાં ચાલ્યો ગયો છે.

અકસ્‍માત સર્જાયા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે બોપલ પોલીસે તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજ અને કારની નંબર પ્લેટના આધારે કારચાલકની ઓળખ રાઘવેન્દ્ર કુશવાહ તરીકે થઈ હતી.પોલીસે અકસ્માતની જાણ થયાના કલાકોમાં જ આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો.