સાબરકાંઠાઃ જિલ્લાના ચિથોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI)ની હત્યાના કેસમાં પોલીસે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સંબંધ પૂરો કરવાના વિવાદમાં સાથી મહિલા હેડ કોન્સ્ટેબલે જ ASIની હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવા માટે પરિવારજનો તથા મિત્રોની મદદથી મૃતદેહને કાર સહિત સળગાવી દીધો હતો. અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપી મહિલા હેડ કોન્સ્ટેબલ આલ્ફા કલસવા (ઉં.વ-37) સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
શું હતો સમગ્ર મામલો ?
મૃતક ASI અશ્વિન તબિયાદ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જિંઝોડી ગામના રહેવાસી હતા અને ચિથોડા પોલીસ મથકમાં ઈન્સ્પેક્ટરના પર્સનલ રાઈટર તરીકે કાર્યરત હતા. 8 નવેમ્બરની રાત્રે અશ્વિન પોતાની મારુતિ અર્ટિગા કાર લઈને ડ્યૂટી પર જવા માટે ઘરેથી નીકળ્યાં હતા, પરંતુ ત્યાર બાદ પરત ફર્યા ન હતા.
બે દિવસ બાદ એટલે કે 10 નવેમ્બરના રોજ ભિલોડા તાલુકાના પાદરા ગામ નજીક હાથમતી નદીના કિનારેથી તેમની સંપૂર્ણ બળી ગયેલી અર્ટિગા કાર મળી આવી હતી. કારમાંથી મળેલા હાડકાં અને અવશેષો અંગે તેમના પિતા બાબુ તબિયાદે પોતાના પુત્રના હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

















