વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. 19 મહિના પહેલાં રાજ્ય સરકાર દ્વારા તેમની માંગણીઓ અંગે ખાતરી આપવામાં આવી હતી. આ ખાતરીને આધારે શિક્ષકોએ પોતાનું આંદોલન સ્થગિત કર્યું હતું. જો કે, આટલો લાંબો સમય વીતી જવા છતાં સરકાર દ્વારા કાયમી ભરતી અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. પરિણામે શિક્ષકોને ફરીથી આંદોલનના માર્ગે ઉતરવાની ફરજ પડી છે.
અગાઉ રાજ્યમાં 1700 થી વધુ વ્યાયામ શિક્ષકોની ખેલ સહાયક તરીકે કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી. આ શિક્ષકો લાંબા સમયથી શાળાઓમાં પોતાની ફરજ બજાવી રહ્યાં છે. તેમ છતાં તેમની નોકરી કરાર આધારિત હોવાથી ભવિષ્યની સુરક્ષા, નોકરીની સ્થિરતા અને કાયમી રોજગારને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે.
આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોની મુખ્ય માંગ છે કે જે રીતે જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને વિદ્યા સહાયક તરીકે કાયમી ભરતીની પ્રક્રિયા દ્વારા તક આપવામાં આવે છે, તેવી જ રીતે ખેલ સહાયકોને પણ કાયમી કરવામાં આવે. વ્યાયામ શિક્ષકોનું માનવું છે કે તેઓ પણ શિક્ષણ વ્યવસ્થાનો મહત્વનો હિસ્સો છે અને વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ, રમતગમત તથા તંદુરસ્ત જીવનશૈલીના ઘડતરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે તેમની સાથે પણ ન્યાય થવો જોઈએ.
શિક્ષકોએ સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની માંગણીઓના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. શિક્ષકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ખેલ સહાયકોની કાયમી ભરતી અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં નહીં આવે અને કાયમી ભરતીની પ્રક્રિયા શરૂ નહીં થાય ત્યાં સુધી તેઓ ગાંધીનગર છોડશે નહીં.
આંદોલનકારીઓનું કહેવું છે કે તેઓ સરકાર પાસેથી માત્ર આશ્વાસન નહીં, પરંતુ નક્કર નિર્ણય અને લેખિત અમલીકરણ ઇચ્છે છે. 1700 થી વધુ પરિવારોના ભવિષ્ય સાથે જોડાયેલો આ પ્રશ્ન હોવાથી સરકાર વહેલી તકે યોગ્ય નિર્ણય લે તેવી તેમની માગ છે.