કચ્છઃ મુન્દ્રા પોર્ટ પર વિદેશી સિગારેટની દાણચોરીનું મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. અન્ય વસ્તુની આયાતના નામે વિદેશી સિગારેટ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવાના ષડયંત્રનો DRI એ પર્દાફાશ કર્યો છે.
ખાડી દેશોમાંથી આવેલા 18 શંકાસ્પદ કન્ટેનરનું ક્લિયરન્સ અટકાવવામાં આવ્યું છે. જેમાંથી ત્રણ કન્ટેનરમાં કરોડો રૂપિયાની ઇમ્પોર્ટેડ સિગારેટ મળી આવી છે, આ કન્ટેનરોમાં સામાન્ય માલસામાન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.આયાતકારો દ્વારા કસ્ટમ વિભાગમાં બિલ ઓફ એન્ટ્રી સહિતના જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યાં હતા. જો કે, દસ્તાવેજોમાં દર્શાવેલા માલ અને હકીકતમાં કન્ટેનરમાં રહેલા માલને લઇને મોટો ઘટસ્ફોટ થયો હતો.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂં ઇન્ટેલિજન્સ (DRI)એ મુન્દ્રા પોર્ટ પર આ કાર્યવાહી હાથ ધરી હતી.તપાસ દરમિયાન એક પછી એક 18 કન્ટેનર અટકાવીને ચકાસણી શરૂ કરવામાં આવી હતી.આ પૈકી ત્રણ કન્ટેનરમાંથી વિદેશી સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એજન્સીને આશંકા છે કે ખોટી વિગતો રજૂ કરીને કસ્ટમ ક્લિયરન્સ મેળવવાનું આ કૌભાંડ ઘણા લાંબા સમયથી ચાલતુ હતું.













