અમરેલી: સાબરમતીથી વેરાવળ તરફ જઈ રહેલી સેમી હાઇસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર અમરેલી જિલ્લામાં અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવાની ગંભીર ઘટના સામે આવી હતી. લાઠી અને ખીજડીયા રેલવે સ્ટેશન વચ્ચે બનેલી આ ઘટનાને પગલે રેલવે પ્રશાસન અને સ્થાનિક પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
મળતી વિગતો અનુસાર, ટ્રેન જ્યારે લાઠી અને ખીજડીયા વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક અજાણ્યા અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હુમલામાં ટ્રેનના આગળના ભાગના કોચનો કાચ તૂટી ગયો હતો. જોકે, કાચ મજબૂત હોવાથી પથ્થર અંદર પ્રવેશી શક્યો નહોતો અને ટ્રેનમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. બનાવ બાદ ટ્રેનને સુરક્ષિત રીતે આગળના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ રેલવે સુરક્ષા દળ અને લાઠી પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સમગ્ર મામલે ધોળા RPF અધિકારી ગોલકરે જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની માહિતી મળતાં જ અમારી ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મુસાફરોએ પથ્થર ફેંકનારાઓને જોયા નથી, પરંતુ કાચને નુકસાન થયું છે. હાલ લાઠી અને ખીજડીયા વચ્ચેના વિસ્તારમાં આસપાસના સીસીટીવી અને અન્ય કડીઓના આધારે સઘન તપાસ ચાલી રહી છે.













