અમરેલીઃ વડિયા પંથકમાં સગીર વયની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, તેની સાથે શારીરિક સંબંધ બાંધી તથા અશ્લીલ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો હતો. આરોપીએ સગીરા સાથે અડપલાં કરી ફોટા પાડી લીધા બાદ પૈસા પડાવ્યા હોવાનો ઘટસ્ફોટ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે જૂનાગઢના ભેંસાણ તાલુકાના ચુડા ગામના શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચુડા ગામનો રહેવાસી આફતાબ ઉર્ફે મસ્તાન શાહમદાર નામના શખ્સે વર્ષ 2024 દરમિયાન ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવીને પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે સગીરાને પરબધામ ખાતે ફરવા માટે લઈ ગયો હતો. ત્યાં ધાર્મિક સ્થળ નજીક તેણે સગીરા સાથે કિસ કરી શારીરિક અડપલાં કર્યા હતા અને તે દરમિયાન અંગત પળોના ફોટા પોતાના મોબાઇલમાં પાડી લીધા હતા.
આ અશ્લીલ ફોટાના આધારે આરોપી આફતાબે સગીરાને માનસિક રીતે બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે સગીરાને જો તું મને પૈસા નહીં આપે તો તારા તમામ ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ તેવી ગંભીર ધમકીઓ આપી હતી. બદનામીના ડરથી ફફડી ગયેલી સગીરા પાસેથી આરોપીએ કટકે-કટકે કુલ રૂ. 8200 પડાવી લીધા હતા. આટલેથી ન અટકતાં આરોપીએ આ ફોટાનો દુરુપયોગ કરવાની ધમકી ચાલુ રાખી સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો.













