મહેસાણાઃ  ફરીયાદીએ ગામ-ગમાનપુરા, તાલુકો-જિલ્લો-મહેસાણા ખાતે જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. જે પૈકી એક જમીન સને-2023 માં એન.એ.કરાવી વોટર ટ્રીટમેન્ટ કેમિકલનું ઉત્પાદન યુનિટ શરુ કર્યું હતું. ફરીયાદીને ધંધામાં વધુ ઉત્પાદનની જરુર હોવાથી તેઓની માલિકીની જમીન એન.એ.કરાવી અને તે જગ્યામાં બાંધકામ અંગેની પરવાનગી મેળવવા ગમાનપુરા ગ્રામ પંચાયત ગયા હતા. 

તેઓ સરપંચ મણીબેન ઠાકોર તથા તલાટી દિપ્તીબેન પટેલને મળ્યા હતા. બાંધકામ પરવાનગી મેળવવા માટે વાત કરી હતી. સરપંચ મણિબેન ઠાકોરે ફરીયાદીને બાંધકામની પરવાનગી આપવા  રૂ.1,00,000 ની લાંચની માંગણી કરી હતી. જેમાંથી રૂ.20,000 ની લાંચની રકમ તલાટી દિપ્તીબેન પટેલને આપવા પડશે તેમ જણાવ્યું હતું.

રકઝક અંતે સરપંચ મણીબેન ઠાકોરે રૂ.80,000 તેમનાં માટે તથા રૂ.20,0000 તલાટી દિપ્તીબેન માટે લાંચની માંગણી કરી હતી.પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. આજ રોજ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત મણીબેન મહેંદ્રજી ઠાકોર ફરીયાદી પાસેથી રૂ, 80,000 તથા આક્ષેપિત દિપ્તીબેન વસંતભાઇ પટેલ ફરિયાદી પાસેથી રૂ.20,000 ની લાંચની રકમ ગમાનપુરા ગામ ગ્રામ્ય પંચાયત, મહેસાણામાં સ્વીકારતા  પકડાઇ ગયા હતા.

ટ્રેપિંગ અધિકારી: એમ.આર.શેઠ, પો.ઇન્સ. અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી.