અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં નશાની હાલતમાં કાર ચલાવીને ત્રણ લોકોને કચડી નાખવાની ગંભીર ઘટનાના માંડ ચાર દિવસ બાદ વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા ડ્રાઇવ-ઇન રોડ પર એક્સિસ બેંકના મેનેજરે નશાની હાલતમાં બેફામ કાર ચલાવીને મોટો અકસ્માત સર્જ્યો હતો.
વસ્ત્રાપુર વિસ્તારના ડ્રાઇવ-ઇન રોડ પર એક્સિસ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મિહિર નિરંજન શર્માએ પૂરપાટ ઝડપે કાર ચલાવી ગુરુકુળ રોડ પાસે એક એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ એક્ટિવા ચાલક રોડ પર પટકાયો હતો, જ્યારે તેનું એક્ટિવા કારના આગળના ભાગમાં ફસાઈ ગયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર રોકવાને બદલે ચાલકે કાર વધુ દોડાવી મૂકી હતી અને ગુરુકુળ ચાર રસ્તાથી આશરે એક કિલોમીટર દૂર દુરદર્શન ચાર રસ્તા સુધી એક્ટિવાને રસ્તા પર ઢસડીને લઈ ગયો હતો.
દુરદર્શન ચાર રસ્તા પાસે સ્થાનિક લોકોએ હિંમત દાખવી કારને રોકી ચાલકને બહાર કાઢ્યો હતો. તપાસ કરતાં કારચાલક મિહિર શર્મા દારૂના ભારે નશામાં હોવાનું જણાયું હતું. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરાતાં વસ્ત્રાપુર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે કારમાંથી તપાસ દરમિયાન એક અડધી ભરેલી દારૂની બોટલ પણ જપ્ત કરી હતી.













