ભાવનગર: ચકચારી કાજલ બારૈયા હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો. અદાલતે મુખ્ય આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને દોષિત ઠેરવીને તેના જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની આજીવન કેદની સજા ફટકારી હતી. હત્યાની ઘટનાના માત્ર ૬૨ દિવસમાં જ ન્યાયિક કાર્યવાહી પૂર્ણ કરીને ચુકાદો જાહેર કરવામાં આવતાં ભાવનગર સહિત સમગ્ર પંથકમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 4 સપ્ટેમ્બરના રોજ ભાવનગર શહેરમાં ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીએ કાજલ બારૈયા નામની યુવતીની જાહેરમાં નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી. ભરબજારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નીલમબાગ પોલીસ દ્વારા તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ જરૂરી પુરાવા એકત્રિત કરી તપાસને ઝડપી બનાવી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે પોલીસે ઘટનાના બરાબર એક મહિનામાં એટલે કે 4 ઓક્ટોબરના રોજ અદાલતમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી.
ત્યારબાદ ભાવનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ આર.વી. બુખારી સમક્ષ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અદાલતે પોલીસ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓનાં નિવેદનો અને બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને કેસની કાર્યવાહી પૂર્ણ કરી હતી.













