ભુજ: પશ્ચિમ-કચ્છના કોડાય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ દલજીભાઇ ચૌધરી (ઉં.વ. ૩૨)ને એન્ટી કરપ્શન બ્યુરોએ રૂ. 70,000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યો છે. કોર્ટ અને ખાણ-ખનીજ વિભાગના હુકમ બાદ પણ ડિટેઇન કરેલા ડમ્પરો મુક્ત કરવા માટે લાંચ માગનાર પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતીય
મળતી વિગતો અનુસાર, કોડાય પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદીની બોક્સાઇટ ખનીજ ભરેલી આઇવા ડમ્પર ગાડીઓને કબજે લેવામાં આવી હતી. આ મામલે ખનીજ વિભાગ ભુજ અને કોર્ટમાં રિપોર્ટ કરી તપાસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ ચૌધરી ચલાવી રહ્યા હતા.
દરમિયાન, ફરિયાદીએ ભૂસ્તરશાસ્ત્રી ભુજ તેમજ માંડવી કોર્ટમાંથી વાહનો મુક્ત કરાવવા માટેનો કાયદેસર હુકમ મેળવી લીધો હતો. આ હુકમની નકલ સાથે ફરિયાદી કોડાય પોલીસ મથકે વાહનો છોડાવવા ગયા ત્યારે તપાસ અધિકારી વિપુલભાઇ ચૌધરીએ બે લાખની લાંચની માગણી કરી હતી. રકઝકના અંતે એક લાખ આપવાનું નક્કી થયું હતું, જેમાંથી ફરિયાદીએ અગાઉ રૂ. 30,000 રોકડા આપી દીધા હતા. બાકીના રૂ. 70,000 ચૂકવાય ત્યારે જ વાહનોની ચાવીઓ સોંપવાની શરત આરોપીએ રાખી હતી.
ફરિયાદી લાંચની બાકી રકમ આપવા ન માગતા હોવાથી તેમણે ભુજ ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભુજ ACB પોલીસ સ્ટેશનના પીઆઈ જે. જે. ચૌધરી તથા સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. 7 નવેમ્બરના રોજ કોડાય પોલીસ મથક ખાતે હેડ કોન્સ્ટેબલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 70,000ની લાંચ સ્વીકારતાં જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ACBએ રૂ. 70,000ની સંપૂર્ણ રકમ રિકવર કરી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી.













