દેવભૂમિ દ્વારકાઃ રાજ્યમાં અગ્રણી નેતાઓ અને લોકપ્રતિનિધિઓના સોશિયલ મીડિયા અને મોબાઇલ નંબરો હેક કરી સાયબર ફ્રોડ આચરવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ બાદ હવે દ્વારકા વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્ય પબુભા માણેકનો મોબાઇલ નંબર હેકર્સનો શિકાર બન્યો છે.

મળતી માહિતી મુજબ, હેકર્સે પબુભા માણેકના મોબાઇલ નંબરનો અનઅધિકૃત એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ તેમના વ્હોટ્સએપ એકાઉન્ટનો દુરુપયોગ કરીને અનેક પરિચિતો, કાર્યકરો અને આગેવાનોને મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ મેસેજીસમાં તાકીદની જરૂરિયાત દર્શાવી અલગ-અલગ લોકો પાસેથી નાણાંની માંગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

આ સમગ્ર છેતરપિંડીની જાણ થતાં જ ધારાસભ્ય પબુભા માણેકે તાત્કાલિક સ્પષ્ટતા કરી લોકોને સાવચેત કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના નંબર પરથી જો કોઈ પણ પ્રકારના પૈસાની લેવડદેવડ કે મદદ અંગેના મેસેજ આવે તો તેને તદ્દન અવગણવા, કોઈ પણ પ્રકારનો જવાબ ન આપવો અને કોઈપણ સંજોગોમાં નાણાં ટ્રાન્સફર ન કરવા. તેમણે નાગરિકો અને શુભેચ્છકોને સાયબર ગઠિયાઓની આ જાળમાં ન ફસાવા ખાસ અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનો પણ નંબર હેક કરી આ જ પ્રકારે નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટૂંકા ગાળામાં રાજ્યના વધુ એક અગ્રણી નેતાને નિશાન બનાવવામાં આવતા સાયબર સિક્યોરિટી અને વધતી ઓનલાઇન છેતરપિંડી સામે ગંભીર ચિંતા ઊભી થઈ છે. આ મામલે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.